Tuesday, July 12, 2011

મારું ગદ્ય-પદ્ય ;-)


    અમારે અહીં એક મોઓઓઓટો દઇને ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખુલ્યો, બે અઠવાડિયાં પહેલા.  કાર ડીલરશીપની જગ્યામાં એક જ સ્ટોર, એટલે ન્યુ જર્સી કોઈ પણ ફંકશનમાં વિક-એન્ડમાં બીજા સ્ટેટથી આવતા લોકો માટે એ 'મસ્ટ સ્ટોપ' જગ્યા થઇ ગઈ. હવે થયું એમ કે મારે ઘરે પણ આવેલા મહેમાનને પાંચ છ મહિના ચાલે એટલો પુરવઠો લઇ જવાનો હતો. અમે પ્રયાણ કર્યું એ મસ્ટ સ્ટોપે જવા. કાર પાર્ક કરીને નજર ફેરવી તો ૯૫% લોકો ભારે સાડી ને ચુડીદાર-કુર્તામાં, નજીકમાં બે મોટા પાર્ટી હોલ છે એટલે થયું જ કે ત્યાંથી જ બધા આવ્યાં હશે...

     હવે મેઈન વાત...શુદ્ધ ગુજરાતી જ હતા ત્યાં બધા અને વાતનાં ટોન પરથી તો ચરોતરના જ હશે એમ જ લાગ્યું. પુરુષોને કદાચ ગ્રોસરી લેવા આવવું પડ્યું એટલે કે પછી ગળથુથીમાં મળ્યું હશે ...પણ ગજબની રાડારાડ કરતાં હતા, જો કે ગરમી પણ હતી  હોં ...કે!!!  હવે જે સાભળ્યું તે આ પ્રમાણે હતું.

એક ભાઈ કાનમાં બ્લુટુથ સાથે એકલાં એકલાં બોલે જતા હોય એમ લાગતું હતું,

'નાઆઆ...લા, આ બૈરાં જોડે આયો છુ...ટીચાવા...ગ્રોસરીએ' (ભાઈનાં હાથમાં કાર્ટ હતી,,, થયું કે કોઈને ટીચશે જ ) 

બીજો ...'અલી...એ, આ રસનાં ડબલાં કેટલાં મેલું?'  ( અલી..એ ...બોલવાથી રસનાં ડબ્બા પર કોઈ જ ડિસ્કાઉન્ટ ન હતું)

ત્રીજો ... 'હેંડ ને ભૈ'સાબ ...તારે કાયમ આઈને ડીકી ભરવી જ...કેટલું ઉજેડે છ'!! (એમનાં ભૈ'સાબ (પત્ની) ને એ ઇનડાયરેકટલી કહી રહ્યાં હતા કે ...હની, તું ખાવા નહી કરતી ...રોજ બહાર જ ખાઈશું)

ચોથો ... 'ઓય...આપડો નંબર આયો...જલ્દી કર'  (માઈક વગર એ શ્રીમતીજીએ  એમનાં પતિની  આકાશવાણી  સ્ટોરનાં બીજા છેડે સાંભળી)

આવા તો પાંચમો , છઠો, સાતમો એવા અગણિત હાજર હતાં, ત્યાં જ... યાદ નથી કયા નંબરે પણ એક વ્હીસલ (ગાયનનાં સુરમાં) સંભળાઈ. ફરીને જોયું તો એક ઓળખીતા નોન-ગુજરાતી ભાઈ... બે મીનીટ વાત કરી અમે અને પછી એમની જ ધૂનમાં ગાતા ગાતા પત્ની સાથે જતાં રહ્યાં.

ત્યારે આ ચાર લાઈન મગજમાં આવી ...

છુક છુક ગાડીનું એન્જીન તું,
અમ ડબ્બાઓ સંગ જ શોભે તું
ખુશીમાં સીટી વગાડે જાને યાર...
ગુસ્સામાં ધુમાડો કેમ છોડે તું?


કાયમની જેમ સ્ટેટ્સમાં મુકીને નીચે લખવાની હતી કે...'ફક્ત ચરોતરના લોકો માટે...બાકીનાઓએ બંધબેસતી પાઘડી કે ટોપી પહેરવી નહી,,,પછી થયું કે પૂરું નહી જ સમજાય બધાને...એટલે આગળ આટલી પ્રસ્તાવના કરવી પડી.

( આ લેખ નથી...ચોખવટ સાથે એક કવિતા જ છે)  

No comments:

Post a Comment