Tuesday, August 30, 2011

શોકનો ભપકો...

'જવા દે ને!!! અમારે ત્યાં હમણાં શોક ચાલે છે, એટલે ટીવી ના ચાલુ કરાય, તું મારી સીરિયલસ્ રેકોર્ડ કરી રાખજે પ્લીઝ.'

ઘરમાં ચાલતા શોકને લઈને કેટલી તકલીફ માંથી બધાએ પસાર થવું પડતું હોય છે.  આજકાલ તો શોક શબ્દમાં દુઃખ ઓછુ અને બોજ વધારે લાગે છે.


     કોઈના મરણનું દુઃખ કપડાથી વ્યકત કરવું એ તો ફેશન થઈ ગઈ છે. સફેદ આર વાળા કપડા પહેરીને બેસણામાં પણ ચીકન (હકોબા)ની સાડીની વાતો થાય છે. પાછું દાગીનાનો ભપકો સારો ન લાગે એટલે ખાસ પ્રસંગ માટે મોતી કે ડાયમન્ડનો દાગીનો  (સફેદ કપડાને મેચ થાય એવો) અલગ પહેરે. લોકલાજે કે લોકોની નજરમાં આવવા માટે બેસણામાં જનારા વધી ગયા છે. બેસણામાં પણ  sms કે ફોન તો ચાલુ જ રહે અને હાજર રહેલા બીજા બધા સાથે પારકી પંચાત કરે.  કોઈ વૃધ્ધ ઘરમાં હોય અને કોઈ જુવાનનું મૃત્યુ થાય તો,,,
'આના બદલે આ ડોસા ગયા હોત તો...'    કહીને યમરાજને પણ કનફ્યુઝ કરે. 


    વાહન અકસ્માતમાં ગુજરી ગયેલાને માટે તો આખા દેશના ટ્રાફીક નીયમોને અને બેફીકરા વાહન ચાલકોને ગાળો બોલે અને છેલ્લે જવાબદાર તો મ્રુતક વ્યક્તિને જ ગણે,,,
'આ હતો જ સાવ નકામો, આખો દિવસ પીધેલો હોય, આજ લાગનો હતો!!!'    કુટેવના લીધે મ્રુત્યુ પામેલાને પણ આવા જ શબ્દથી નવાજે અને પોતાનામાં રહેલી એ જ કુટેવ ત્યારે યાદ ન કરે.


      થોડા વખત પહેલા એક પરીવાર જાત્રા કરવા ગયો અને ત્યાં અચાનક એમની દિકરી ગુજરી ગઈ. આટલા મોટા આઘાત સાથે ૧૮ કલાકે ઘરે આવ્યા અને અંતિમ સંસ્કાર કર્યો. બધાને હચમચાવી દે તેવું વાતાવરણ હતું. ત્યાં તો પાછળ વાતો થાય કે,,,

'સાંજે બધા સાથે જ ફરી આવી ને મળી જઈશું'

ફરીને સમજાવ્યા કે,,,

'આજે બધાને થોડો આરામ કરવા દો, એ લોકોની હાલત તો જુવો... થોડા દિવસ પછી આવશું'

પણ ત્યાં તો ફટ દઈને કોઈ બોલ્યું કે,,,

'આપણું સારૂ ન  દેખાય!!! અને આમનો શોક તો લાંબો ચાલશે એમાં આપણે રોજ રોજ ક્યાં ખેંચાવાનું?? એક વાર ફરી મોઢુ બતાવી દઈએ એેટલે ચાલે!!!' 


        અને એક જગ્યાએ એક ઘરડા બા ગુજરી ગયા. ચાર દિકરા અને ચાર વહુઓ ને એમના પણ સંતાનો સાથે બહોળા પરીવારમાં માજીને ડિહાઈડ્રેશન થયું અને ગુજરી ગયા,,,નોકર ધ્વારા ઘરમાં બધાને ખબર પડી કે ત્રણ દિવસથી ખાતા-પીતા ન હતા. આમ પણ વહુઓ કે દિકરાને માંજી માટે સમય ન હતો, પણ જોવા જેવુ એ હતું કે જ્યારે માજીને સ્મશાન લઈને જતા હતા ત્યારે એક વહુ અચાનક જ ઊભી થઈ અને પાછળ દોડવા લાગી અને રડતા રડતા બોલી,,, 'મને પણ એમની સાથે જવું છે..એ..એ...'  ગુસ્સો તો ત્યારે એ વહુને પકડીને રોકતા લોકો પર આવ્યો!!!!  અને કોરસમાં મોટેથી રડવામાં બીજી બધી વહુ જોડાઇ અને માજીનાં સહીયારા ગુણગાન ગાયા. ત્યાર પછીના ૧૨ કે ૧૩ દિવસ જે શોક નો ભપકો ચાલ્યો, જેવા બધા આવે એવા લાઇનમાં બધા શોકમગ્ન બેસી જાય અને જાય કે તરત જ ખુશ. એમના હાંશકારાના આનંદને જોઇને સમજ જ ન પડી કે "ઓસ્કાર" કોણે આપવો!!!


     ઘણા લોકોની માન્યતા છે કે કોઈના પણ મરણ પર જે લોકો રડતા નથી એ નફ્ફ્ટ. પોતાનું દુઃખ નકલી ભેંકડામાં પ્રગટ કરવામાં પણ અલગ અલગ વર્ગ હોય છે.  જેમણે સ્વજન ગુમાવ્યું હોય એમની વ્યથા સમજવી ખુબ જ કઠીન છે. પણ જે દેખાડો કરે છે એ લોકો મગજમાં શું વીચારીને ધતીંગ કરતા હોય છે??  શું સફેદ કપડાથી જ શોક વ્યકત થાય??  સ્વાભાવીક છે કે સાદા કપડા જ પહેરાય. પણ અમુક દિવસ ટીવી ન જોવાય,  નોર્મલ લાઈફ થોડા દિવસ સ્થગીત!!   કેમ??  પ્રયાસ તો જેમને દુઃખ પડ્યું છે એમને બને એટલા જલ્દી નોર્મલ લાઈફમાં લાવી દેવાનો હોવો જોઈએ. વાતાવરણ આમ તો ગંભીર હોય એમાં વધારે ગંભીર આવા બધા નીયમો કરે. કોઈના દુઃખને હલકુ કરવાને બદલે ભારે કરે.


     એક બહેનના પતિ ગુજરી ગયા, સમાચાર મળતાની સાથે નીકળવા  છત્તાં ત્યાં પહોંચતા ૧૨ કલાક થયાં. બધી ક્રીયા પતી ગઈ હતી,,, આઘાત ત્યારે વધારે લાગ્યો કે ત્યાં એ બહેનની સાસરીનાં બધા હતા અને પીયરનું કોઈ જ ન હતું.  મને ભેટીને એ ખુબ જ રડી, અને ધીમેથી બોલી કે,,,


"મને અહીં થી બીજી રૂમ માં લઈ જા કશી પણ રીતે, મારાથી હવે વધારે નથી બેસાતું'.


બે રૂમનાં ઘરમાં બીજી રૂમમાં થોડા લોકો સુતા હતા. જ્યારે કહ્યું કે,,,


'થોડી વાર માટે બધા બહાર જાવ, અને બહેનને આરામ કરવા દો.'


તો ઘર નાં વડીલ કહે કે..."ના, એણે ત્યાંજ બેસવું પડે, બધા મળવા આવે અને એ સુતી હોય તે ન શોભે!!'


("શોભે" ????)   આવા નકામા રિવાજ પરનો ગુસ્સો હોય કે  એ 'શોભે' શબ્દ નો પ્રતાપ,,,પાંચ મીનીટમાં રૂમ ખાલી કરાવીને એ બહેનને અંદર લાવી, ત્યારે એ બોલી કે,,, 

'સમાચાર આવ્યા ત્યારથી એ ખુણા માંથી ઉઠવા નથી દીધી!!!' 

જો કે ત્યારે એ  બહેનનાં સસરા ખૂબજ મદદરૂપ થયાં.  બીજે દિવસે એ બહેનના પીયર જઈને પુછ્યું કે... 


'દીકરી પાસે કેમ નથી ગયા?'  તો કહે કે,,,


'ઘરનાં બધા જેન્ટસ સ્મશાનમાં ગયા હતા, આપણે તો બેસણામાં જવાનું હોય. તારે પણ બેસણાના દીવસે જ આવવાની વાત હતી!!!!'
 
   બેસણામાં હાજરીનું મહત્વ પોતાની વ્યક્તિનાં  દુઃખથી પણ વધારે!!!  બેસણું રાખે એટલા માટે કે દુરથી આવતાં સગા-વ્હાલાં બધા એક જ દિવસે સાથે આવીને પોતાનો શોક વ્યક્ત કરી શકે.

      આપણી નજીકની વ્યક્તિ જ્યારે કોઈ સ્વજન ગુમાવે ત્યારે,,, પોકળ શબ્દ, સફેદ કપડાં, મોટેથી દેખાડો કરીને રડવાનું, બેસણાંમાં હાજરી આ બધાને બદલે સાચા દીલથી એની પાસે જઈને એના ખભે હાથ પણ મુકીએ તો એને ખરૂ આશ્વાશન મળશે. કોઈના પણ મ્રુત્યુને મજાક ન બનાવવો જોઈએ અને રિવાજ એવા હોવા જોઈએ કે જેમાં મૃતકનાં નજીકની વ્યક્તિને જલ્દી હિંમત પાછી મળી શકે.


     વર્ષો પહેલાં પહેલી વાર અમેરીકામાં  મારી મેનેજરનાં મમ્મીનાં ફ્યુનરલમાં મારી સાથે કામ કરતી મરીયા લઈ ગઈ, એણે મને બ્લેક સુટ પહેરવાનું કહ્યું હતું.  ત્યાં મેનેજરને મળી એકદમ ધીમા અવાજે શોક વ્યક્ત કર્યો. કોફીનમાં એની મમ્મીને સુવાડ્યા હતાં. સામે લાઈનમાં ખુરશી ગોઠવેલી હતી ત્યાં અમે બેઠા. થોડી ઔપચારીકતા પછી નજીકનાં બે સગાએ મૃતક વિેષે સ્પીચ આપી. હાં,,,વચ્ચે વચ્ચે ધીમેથી રડવાનો કે નાક સાફ કરવાનો અવાજ આવતો. બધી ક્રીયા પતી પછી ત્યાં નજીકમાં હોલ પર બધા ભેગા થયા, થોડી વાતો, થોડુ  ખાવાનું અને એેકબીજાને ભેંટીને બધા છુટા પડ્યાં. મારા માટે આ બધુ નવું હતુ.  મરીયાને મેં આપણા રિવાજ કહ્યા અને એણે મને એમના રિવાજ સમજવ્યા કે... જોબના લીધે અને દૂર રહેતા હોય એમને પણ બહુ સમય રજા ન મળે એટલે આ જ રીતે  બધા અરેંન્જ કરે. પછી થોડીવાર રહીને બોલી કે,,, 


" કોઇ પણ જગ્યા હોય દુનીયામાં... જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે એ મૃતક વ્યક્તિને છેલ્લો અપાતો "respect"  સચવાય અને ના પરીવારનાં માણસોની "privacy".

~ધૃતિ...

Thursday, August 25, 2011

આઘાત...

સમય સમયની વાત છે,
બદલાતી માણસજાત છે,

પૂનમના પડીકે બંધાઈ,
અમાસને નડેલી રાત છે,

મીઠી એ યાદોને માથે આજે,
ખારા આંસુની મોટી ઘાત છે,

ઉલેચ્યું બંનેએ સાથે ને...
એકલી બચી એ આઘાત છે.
~ધૃતિ...

Wednesday, August 24, 2011

પારકે ભાણે...

દૂરથી ડુંગર રળિયામણા લાગે એમ જ પારકી થાળીમાં ભાણું પણ અતિશય રળિયામણું દેખાય. આવી જ બીજી પારકી પણ ગમતી   વાત ધ્યાનમાં આવી. દરેકનાં ઘરમાં તુલસી કે મનીપ્લાન્ટ તો હોય જ...પણ એ દરેકને બીજા દરેકનાં ઘરનાં પ્લાન્ટ્સ હંમેશા પોતાનાં કરતા સારા જ લાગે...કેમ એમ??

     અમારી સ્કૂલમાં તો એવાં બધા હતાં કે જેમનાં ઘરમાં બદામના ઝાડ હોલસેલમાં હોય પણ બીજાનાં ઘરમાં ઝાડને પત્થર મારીને બદામ તોડતાં, ખીસામાં ભરતાં અને મસ્તીથી ખાતા. પત્થર મારીને બદામ કે બીજા કોઈ પણ ફ્રૂટ્સ તોડવાની મજા જ અલગ.  જેમનાં ઘરમાં પથરા પડતાં એ લોકોની વ્યથા ત્યારે નહતી સમજાતી.  (કોઈકવાર)  હજુ પણ જો કે એ નથી સમજાતી, એમ જ થાય છે કે એ તોડીને ખાવું એ તો જન્મસિદ્ધ હક્ક હતો.

    ક્રિકેટ રમતાં છોકરાઓએ જેટલા બારીના કાચ નહી તોડ્યા હોય એટલા બદમતોડ ગેન્ગ તોડતી...અને તોડીને ભાગતી. અર્જુનની જેમ અહીં કોઈ દ્રોણાચાર્યની પ્રોફેશનલ ટ્રેનિંગ મળી ન હતી પણ પથરો તો બરાબર નિશાને જ વાગતો,,,જો કે થોડાંક બારીના કાચ અડફેટમાં આવી જતાં. કોઈની ગુસ્સાભરી નજર તો ક્યારેય નોંધી ન શક્યા  પણ દરેક ઘરમાંથી કેવી રાડ આવશે એ હકીકત ધ્યાનમાં રાખીને જ આવા કામ કરતાં એટલે નાહકના ગભરાઈ ન જવાય.

   એવામાં એક વાર બસ જતી રહેશે એ ઉતાવળ હતી ને ઝાડ પરની પાકી બદામ બોલાવતી હતી.  એક જ પથ્થર ફેંક્યો હતો, પણ એ બદામને અડીને તડકે મૂકેલાં નવા નક્કોર માટલાને જઈ ભેટ્યો,,,ખલ્લાસ....ઘરમાંથી ત્રાડ આવી ...

'એએએએ...ચશ્મીશ...સંડાસમાં પૂરી દઇશ'
(આ વાત જ્યારે પણ યાદ આવે ત્યારે મગજ ઓવરટાઈમ કરે કે... એમ કરીને એમને શું મળવાનું હતું?)

  ચાર પાંચ અઠવાડિયાં પછી  ઘરનાં વડીલ  સાથે ત્યાંથી પસાર થતા ફરી ત્યાં એ જ ઘર આગળ અટકવું પડ્યું, બદામ માટે નહી પણ અમારા ઘરનાં વડીલ અને એ ધમકી વાળો અવાજ એ બંને એકબીજાને ઓળખતા હતાં.  થોડીવાર પછી વડીલને કચવાયેલા મનથી થોડું થોડું કહેવાઈ ગયુ  કે...

'એ અમને બહું ગમતા નથી ...અમે શાળાએ જઈએ ત્યારે એ રાડારાડ કરીને ધમકી આપે છે ...'

તો વડીલ બોલ્યા ...  'એમ ન કરાય...એ તો આપડી ભાણીના સાસરીવાળા છે'

    એ વાતને ૯ વર્ષ વીત્યા હશે અને એ જ ધમકેશ્વર મારા સાસરી પક્ષે પણ કુટુંબી જ થયાં ...આખરે સંડાસમાં નહી તો કુટુંબમાં તો પૂરી જ!!!  એક ન તૂટેલી બદામ ની સજા...
( ડોન્ટ વરી ...એ ફેસબુકે નથી,,, હાં એમનો દીકરો છે, જે ગુજરાતી વાંચી નથી શકતો :] )

  એટલે પારકા ઝાડની બદામ તોડતા તો તોડી લેવાની જ....એનો વાંધો નથી પણ પછી તમે કેવા શ્રાપનો શિકાર બનો છો એ તમારું નસીબ.

    વર્ષો પહેલાં કુટુંબમાં જ લગ્ન નિમિતે પંડિતનો ફોન આવ્યો કે બે હાર ફૂલોનાં જોઈશે. અમેરિકામાં નાના ટાઉનમાં ફૂલવાળો એક અને એની દુકાન બંધ. સવારે હાર ક્યાંથી લાવવા એ ચિંતા. એટલે ગાડી લઈને અજવાળે નીકળ્યા, કરમચંદ જાસુસની જેમ જ.  એક ગાડી ચલાવે ને બે જણ નોંધ લે કે કોના બેકયાર્ડ કે ફ્રન્ટયાર્ડમાં ફૂલ ઊગેલા છે અને ક્યાંથી ચુપચાપ તોડી શકાશે. આટલુ હોમવર્ક કરીને રાત્રે ૧૧ વાગે તોડેલા ફૂલ લાવીને હાર બનાવ્યો. પારકા પ્લાન્ટ્સ આટલા વહાલા ક્યારેય નહોતા લાગ્યાં. 

      હમણાં એક સગાને ત્યાં જવાનું થયું, આંગણામાં જ ફુદીનાના અલગ અલગ કુંડા અને એક કુંડામાં ફુદીનાની જ સુગંધીવાળો છોડ    પણ પાન જુદા દેખાતા હતા એટલે કુતૂહલવશ પૂછ્યું તો કહે કે એમનાં પાડોશીએ આપ્યો છે , પછી એમણે પૂછ્યું  કે...

 'તમારે જોઈએ છે? અમારા પાડોશીએ કહ્યું છે કે જ્યારે પણ જોઈએ ત્યારે એમનાં બેકયાર્ડ માંથી લઇ લેવો.'

   નેકી ઓર પૂછપૂછ!!  ખુશીથી પાડોશીનાં બેકયાર્ડમાં પહોચ્યાં અને એક નાનો પ્લાન્ટ જમીનથી ઉખાડવા લાગ્યાં, જેવો હાથમાં આવ્યો કે જાણે 'ઓટો પાયલોટ' પર હોઈએ એમ દોડવા માંડ્યા. થોડા ડગલા દોડ્યા પછી જાતે જ અટકીને બોલ્યાં....

 'આપણે કેમ દોડીએ છીએ?? એમને તો સામેથી લેવાનું કહ્યું જ હતું'

    આવી તો ઘણી  'ઓટો પાયલોટ' અવસ્થા માટે આ બધી પારકી ગમતી વસ્તુ જ જવાબદાર ...શું કહો છો??

    પછી કોઈનાં ઘરમાં નવું ફર્નીચર હોય કે ટીવી...ઓનિડાની એડની જેમ પોતાને પણ જોઈએ જ,,, એવાં વિચારના બે શિગડા ઉગવા જ માંડે.  ભલા ઉસકી સફેદી મેરી સફેદી સે જ્યાદા કેસે?? ...આ વાત દરેક જગ્યાએ આવે જ ...પારકું ભાણું હંમેશા સારું જ લાગે.

     ચિનાઈ માટીની બરણી ભરેલો તડકાછાયાનો છુંદો ઘરમાં હોય, પણ એક ધાબા પરથી બીજા ધાબા પર કૂદકા મારીને બીજાના છુંદાના તપેલામાંથી ઉજાણી કરતાં લોકોના મોઢા જોયા છે??
  પારકા ઘરની અગાસીમાં સૂકવેલાં પાપડ કે પાપડીના પડીકાં વાળીને છાનામાના મોઢામાં મુકતા લોકોનાં ચહેરા પરનો સંતોષ જોયો છે?
   વેકેશનમાં મોસાળમાં જઈને બારોબાર પારકા લોકોનાં પેપર લઈને એનાં બદલે ભારોભાર  ફાલસા લઈને ખાધા છે ??
   કોઈ પારકા ઘરમાં ડોરબેલ વગાડીને ભાગ્યા છો?
    ફુગ્ગાઅગિયારસે અગાસી પર ટોળામાં રહીને તાકીને કોઈને ફુગ્ગો મારવાનો અને પછી એવી રીતે ઉભા રહેવાનું કે આખું ટોળું વાંકમાં દેખાય પણ તમે જ બચી જાવ, તમારા પર કોઈને શક પણ ન જાય... તમે એવા શાંત કોઈ પારકાને લાગ્યા છો? (આ કરવા જેવું ખરું હોં કે.)
    સાયન્સમાં ભણ્યા હોવ તો કોઈ ક્લાસમેટની એકદમ પરફેક્ટ ડાયસેકટ કરેલી ટ્રે ને લઈને પોતાની બનાવી દેવામાં જે મજા છે તે જાતે મહેનત કરીને કરવામાં છે જ નહી...       

     જો આમાંથી કશું જ ન કર્યું હોય તો 'ટાઈમપ્લીઝ' કરો અને પાછા જાવ,,, જઈને કરી જુવો. આવા અનુભવની તો મજા જ જુદી હોય અને લોકોને આવું કરતાં જોવાની મજા પણ અલગ હોય છે.   ||અસ્તુ||  :))

Saturday, August 20, 2011

આતંકવાદી મન

મન આતંકવાદી થાય છે,
તો યે સાધુ થૈ રહેવાય છે,

ખુદના આશયે પરાસ્ત...
ખુદની જીંદગી જીવાય છે,

રોજેરોજના રંગમંચમાં,
ગોખેલા સંવાદ બોલાય છે,

ચોપાટની સોગઠી ચાલમાં,
આબરૂ દાવમાં રમાય છે,

કોણ જાણે કેમ આ આક્રોશ,
રગેરગ મહી વર્તાય છે.
~ધૃતિ...

Monday, August 8, 2011

ક્યાં સુધી??

ચાલ,
બેનકાબ થઈએ,
ધારણાને ઢાંકીને...
ક્યાં સુધી રહીએ??

ચાલ,
પ્રતિઘોષ થઈએ,
વિચારોને બાંધીને...
ક્યાં સુધી રહીએ??

ચાલ,
મનમોજી થઈએ,
રિવાજે બંધાઈને...
ક્યાં સુધી રહીએ??
~ધૃતિ...

Saturday, August 6, 2011

બાપલીયા...

અલા આ ઠીચુક સ્પીડને હુધારો બાપલીયા,
કઈ હુધી બતાવશો ડીડ અમારો બાપલીયા,

અમે તો ઓણ કમાઈએ ને પોર ટેક્ષ ભરીએ,
તું ગત ભવ હિસાબ કરે ફેક્સ બાપલીયા,

પચ્ચા વરહે તો અઈ હો જજમેન્ટ મલે,
તુ તો અવે રોજનું જ લે પેમેન્ટ બાપલીયા,

મોણહો વચ્ચે ઓમેય રોજ સ્ટ્રેસ વર્તાય,
ભગવોન થૈ હંધાયને રાખ ફ્રેશ બાપલીયા …
~ધૃતિ...

Wednesday, August 3, 2011

માન્યતા...

સંજય દત્તની પત્ની વિશે આ લેખ હશે એ વિચારે જો વાંચતા હોવ તો વિચાર બદલો.  મગજમાં ભરાયેલી માન્યતાઓની વાત છે અહીં... બહુવચન વાળી.

        માન્યતા એ જૂના રિવાજોનું ફેન્સી નામ છે.  ‘અસ્તર તો પુરાણાં જ છે...વસ્ત્ર નવા.’   પહેલાના અમુક રિવાજોમાં લોજીક હતું.  પણ હવે તો ગાડરીયા પ્રવાહમાં તણાતા જઈએ છીએ.

         જેમ કે પહેલાંના વખતમાં દીવાનાં અજવાળે... સંધ્યાકાળે કચરો નહી વાળતા.  કારણ તો બરાબર જ હતું કે ઝાંખે અજવાળે કશું કિંમતી વસ્તુ કચરા સાથે  ફેકાઈ નહી જાય.  પણ એ માન્યતા હજુ  બિચારી પગ ઢસડતી ચાલ્યે જ જાય છે.  હવે તો દિવસ કરતાં પણ રાત્રે વધારે અજવાળું હોય છે,  પણ વિચારોમાં હજુયે ફાનસ જેવા ઝાંખા અજવાળા.

        ક્યારેક કોઈને  એક છીંક આવે ત્યારે એ બીજી છીંકની કાગડોળે રાહ જોતા હોય.  છીંકમાં પણ પ્રકાર,,,બે છીંક આવે તો શુભ અને એક છીંક આવે તો અશુભ.  એક અપશુકનિયાળ છીંક શુકનિયાળ થઇ જાય જો એને બીજી છીંકનો સહારો મળે તો.

        આમ જોઈએ તો... નોર્મલ ડિલીવરીમાં થયેલું બાળક કોઈ ચોઘડિયાં જોઈને નથી આવતું, પણ સિઝેરિયનથી આવતું બાળક પંચાંગ પ્રમાણે અવતરે. બાળકોનાં દેખાવને પણ માન્યતામાં લપેટી દેવાય.  માથાની પાછળનાં ભાગમાં જો ભવર જેવો ગોળ આકાર વાળમાં દેખાય તો...
       'ભાઈ આવશે હવે,,,બીજા ખોળે'

       અને બે ભમરા હોય તો ટ્વીન્સ!!!


      હજુ પણ લગભગ દરેકનાં ઘરમાં અડધા સાયન્ટીસ્ટ અને અડધા  જ્યોતિષી રૂપે એક જણ ભાવિ કથન સાથે તૈયાર જ હોય.  એમાંય જો નાનું બાળક નવું નવું ચાલતાં શીખે ત્યારે એ વચ્ચે અટકીને નીચો વાળીને બે પગ વચ્ચેથી પાછળ જુવે કે એમની માન્યતા પ્રમાણે ભવિષ્યવાણી સંભળાય...

    'ઓહો ...બીજાનાં આગમનની તૈયારી કરો'

     ક્યારેક એમ થાય કે આવાં નીચા નમી નમીને પાછળ વળીને વસ્તી વધારવામાં આ નિર્દોષ દેખાતા ટેણીયાઓ તો જવાબદાર નથી ને?


      સૌથી ખોખલી માન્યતા ખોળો ભરે ત્યારે અપનાવે છે.  એમ માને કે પહેલે ખોળે સુપુત્ર હોય તે જ માતાનાં હાથે આ કામ થાય,  જેથી જનેતા ને પણ પુત્રપ્રાપ્તિ થાય.

     પહેલે ખોળે આવો ખેલ કર્યા પછી પણ જો પુત્રી આવે તો એનો ખર્ચો એ ખોળો ભરવાં આવેલી પુત્રની માતાએ આપવો... આ નિયમ મુકીએ તો કેવું?   કે પછી જો પુત્ર નહી જન્મે તો કોર્ટમાં કેસ કરાય એવી સવલત હોવી જોઈએ.

     કોઈ કારણસર માતા નહી બની શકી હોય એવી સ્ત્રીને તો નજીક પણ નહી આવવા દે આ પ્રસંગ દરમ્યાન.  એનાં હાથે જ કરાવવું જોઈએ આ શુભકામ જેથી જે અનુભવ એને નથી મળ્યો તે જ અનુભવ બીજા ને મળશે એ વાતની ખુશી એનાં જીવનનો એક હિસ્સો રહશે...હંમેશા.     સુધરો યાર....ક્યાં સુધી??  

     આપણે એવું માનીએ કે લાંબે પ્રવાસે જવાનું હોય તો દહીં ખાઈને નીકળવાનું જેથી સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધારે રહે શરીરમાં ને મુસાફરી દરમ્યાન કોઈ બીમારી નહી નડે.

    પણ હવે તો કોઈ પરિક્ષા આપવા જાય તો કહે ...લે અડધી ચમચી દહીં ખા!!!

    અને નવી જોબ પર જાય તેને પણ...લે તું પણ દહીં જ ખા!!

     બિચારી બિલાડીને તો કામ વગર જ ટાર્ગેટ બનાવી.  એમાં પણ કાળી બિલાડી હોય તો ખલ્લાસ.  એ જો કોઈનાં પણ રસ્તામાં આવી વચ્ચે કે ઘણાં લોકો તરત જ  રસ્તો બદલે.

    બિલાડીઓના હાથમાંથી આપણે એક વાંદરાની મદદથી વાર્તામાં હજુ પણ પૂરી ખૂંચવીએ છીએ. અને હવે જ્યારે પૂરી વગરની બિલાડી રસ્તે એકલી જતી હોય તો આપણે રસ્તો બદલીએ...ક્યારેક તો એમ લાગે કે આપણા મગજમાં બીક ભરાઈ ગઈ છે કે આ બિલાડી બદલો લેવા આવશે વાર્તાનો...એટલે જ રસ્તો બદલતા હોઈશું.   

     બિલાડી પણ જો આપણા જેવું વિચારે કે,,, આ માણસ આવ્યો સામે, હવે રસ્તો બદલું...તો એ તો એનાં ઘરે જ નહી પહોંચી શકે. આખો દિવસ માણસો જોઈને રસ્તા જ બદલતી રહે.

    અહીં તો લોકો ઘરમાં બિલાડી પાળે.  ભૂલેચૂકે એવા ઘરમાં આવી માન્યતા વાળા મહેમાન બને અને સુવા માટે બેડરૂમમાં જતાં જો બિલાડી આડી આવે તો શું રસ્તો બદલીને બાથરૂમમાં સુવા જાય કે??

      ઘણાં ઘરમાં મીઠું હાથોહાથ નહી આપે તો ઘણાં લોકો કાતર સીધી હાથમાં નહી આપે, પહેલા નીચે મુકે ને સામે વાળાએ જાતે લેવાની.

       જો પૂછીએ  તો એક જ  જવાબ .... 'અમે આવું માનીએ છીએ.'

        ભલે ત્યારે...એવું માનો, પણ કારણ તો જાણો.


        સાંભળ્યું છે કે  બુધવારે બધું બેવડાય!  અને બીજુ એ પણ સાંભળ્યું છે કે બુધવારે જેને ભાઈ હોય તેણે વાળને શેમ્પૂ નહી કરવાનું!!   કારણ એ જ કે એમનાં ભાઈની ઉમર ઓછી થઇ જાય.  આ કેવું કનેક્શન?  બહેનનાં વાળનું ભાઈની ઉમર સાથે?

       અઠવાડિયામાં એક દિવસ નખ કાપવા માટે અશુભ અને અમુક દિવસ શેમ્પૂ કરવા માટે અશુભ.   અમુક દીવસે ખાસ કઠોળ ખાવું અને અમુક કઠોળ કોઈ ખાસ દીવસે નહી ખાવાનું. આવું માનતા અને નહી માનતા લોકોના જીવન વચ્ચે કોઈ તફાવત ધ્યાનમાં આવ્યો છે ખરો??

         સરકારી ખાતામાં આવાં માન્યતાવાળા નિયમો મુકવા જોઈએ.  કે લાંચ આપવા માટે ફક્ત ૨૯  ફેબ્રુઆરી જ શુભ.

       અહીની ઈમ્પોર્ટેડ પ્રજા પણ બાકી નથી આવી વાતોથી.  અહીનાં લોકો બ્રીજની નીચે થી પસાર થાય અને ઉપરથી ટ્રેન જાય તો કહે...
   'મેઇક અ વીશ'  
        શું વીશ??,,, કે આ બ્રીજ નહી  તૂટે અને ટ્રેન મારા પર નહી  પડે એ??    કે પછી ...ત્યાં કોઈ બોમ્બ નહી ફાટે એ?? 

      એક પેની નીચે પડી હોય તો જો હેડ દેખાય તો લેવાની અને ટેઈલ દેખાય તો બેડ લક ગણાય એટલે નહી લેવાય.

      પૈસૌ અને બેડલક??  છે કોઈ મેળ અહીં??

      નિસરણી નીચેથી જાવાનું નહી ...બેડલક.

      રસ્તામાં કે સાઈડવોકમાં તિરાડ પર પગ નહી મુકવાનો ...કેમ??

      તો જવાબ...  'ઇફ યુ વોક ઓન અ ક્રેક યુ વિલ બ્રેક યોર મધર્સ બેક'

     એટલે તૂટેલી કમર વાળી મમ્મીઓએ એમનાં બાળકોને એ માટે જવાબદાર ગણવા. બાકી કોઈ બીજા કારણે તૂટે જ નહી.  હવે સમજાયું કે  ભારતમાં ગામડામાં રહેતા ઉમરવાળા બહેનો એકદમ મજબુત હોવાનું કારણ,,, ત્યાં પાકા રસ્તા હોતા જ નથી. એટલે તિરાડ પડવાનો સવાલ જ નથી.

      હમણાં થોડા વખત પહેલાં આજતક ચેનલ પર એક જ ન્યૂઝ આવ્યાં કરે કે ... ગુજરાતમાં એક કબ્રસ્તાન આગળથી પસાર થતાં જો તમે હિમેશ રેશમિયાનું ગાયન ,,, 'એક બાર આજા આજા આજા...' ગાવ તો એક ભૂત તમારી જોડે આવે છે.

     મહાદેવજી જેવા જ એકદમ ભોળા એ ભૂતભાઈ હશે, એને થોડી ખબર કે હિમેશ નાકના અવાજે એનાં ગળાના અવાજને ‘આજા આજા ..’  કહી બોલાવી રહ્યો હતો. અને લોકોતો આમજ હિમેશનો વહેમ મારવા માટે ગાય.

      જો કે આ વાત સાંભળીને અહીં એક જણ કબ્રસ્તાન નજીક જઈને ગાયન ગાઈ આવ્યું, અને કહે કે ભૂત નહી આવ્યું,  કદાચ અહીનાં ભૂત માટે અંગ્રેજીમાં ગાવું પડે.

     ઉગતા સૂર્યની પૂજા કરવી એ શાસ્ત્રમાં લખ્યું છે. પણ સમય અને સંજોગો જોઈને કરવી એ લખવાનું ભુલાઈ ગયું હશે.

     એક મોટેલમાં આવેલા ભાઈને સતત યાદ દેવડાવ્યું કે આવી રીતે ટોવેલ લપેટીને સવારમાં મેઈન રોડ પર આમ લોટો લઈને સૂરજદેવને પાણી અર્પણ નહી કરો.  ઠંડી ખૂબ જ  છે,  બહાર સ્નો બધો સખત થઇ ગયો છે,  ખુલ્લા પગે આવું કરશો તો ફ્રોસ્ટબાઈટ થશે પગમાં,  તમે બીમાર થઇ જશો, લપસી પડશો...વગેરે.

      પણ એ ભાઈ પર કોઈ જ અસર નહી જણાઈ.  એકવાર ખરાબ વેધરના કારણે સવારે કામ કરતો સ્ટાફ ૧ કલાક જેટલો મોડો આવ્યો.  આવીને જુવે તો ટોવેલ લપેટીને એ ભાઈ હાથમાં લોટા સાથે એક ખૂણામાં થરથર કાંપે.

     જલ્દીથી ઓફીસ ખોલીને એમને હીટર સામે બેસાડ્યા ને પૂછ્યું કે આમ કેમ બહાર ઉભા હતાં...  તો કહે,,,
    “પાણી રેડતો હતો ને પવનનાં લીધે બારણું વસાઈ ગયું,  ચાવી અંદર રૂમમાં,  અને ઓફીસ બંધ.”

      ત્યાર પછી તો બે મહિના રહ્યાં એ ભાઈ પણ એમની માન્યતા બદલીને.

       તમે રાખી છે કોઈ આવી ફેન્સી માન્યતા?.     

આવુ હું માનું...

હું શનિજીને પનોતી તો ન જ માનું,
પણ જે નડે એને તો શનિ જ માનું,

રસોઈ આમ તો મસ્ત જ બનાવું,
જો બગડે તો એ ચાયનીઝ જ માનું,

ભીડને પિકનીક જ સમજી લઉં,
ને એકાંતને તો વેકેશન જ માનું,

બાજી ભલેને ખેલની કઠિન તો યે,
મારી શરતોએ જીતવામાં જ માનું,

તું તારે ગણ્યે જા વેઢા આગળીનાં,
હું એક ને એક અગિયાર જ માનું.
~ધૃતિ... 

 

Monday, August 1, 2011

જત જણાવવાનું કે...

જત જણાવવાનું કે...

હવે શબ્દો આંસુમાં ડૂબી જાય છે,
ને વ્યથા આંખમાં જ રહી જાય છે,

ઠસોઠસ યાદોની હયાતી ય તારા...
સ્પર્શની મોહતાજ થઇ જાય છે,

અટકી તો ક્યાંય નથી આ જીંદગી,
બસ... અપાહીજ બની રહી જાય છે
~ધૃતિ...