અમુક લોકો એરપોર્ટ પરથી જ રાડારાડ કરતાં હોય છે, એકદમ રઘવાયાં ફરતાં હોય, ફેમિલીને બુમો પાડતાં હોય, અને એમની જ ધૂનમાં લોકોને સામાન ભરેલી ટ્રોલી પણ ટીચતા હોય,,, ભરેલી બેગો પાડતાં હોય અને એ પછી કોઈ રીસાયેલી પાડીને ખેંચતા હોય તે રીતે ખેંચીને મુકતા હોય,,,કાઉન્ટર પર પણ રકઝક કરે.
ઘણાને પ્લેનમાં ચઢતાની સાથે એક કેફ ચઢે કે એરહોસ્ટેસ ફક્ત એમની સેવા માટે જ છે. 'એય'...'છુછ...છુછ' એવા નવાબી અવાજ કાઢીને બોલાવે,,, અને એ કામ ના આવે તો ચપટીનું મ્યુઝિક વગાડે. ટીકીટ બુક કરવા આપેલા બધા નાણાં વસુલ કરવાની પેરવી સાથે જ ચઢયાં હોય. ચઢતાની સાથે જ નાના છોકરાઓની જેમ જ ભૂખ્યાં ને તરસ્યાં થઈ જાય.
હાથનો સામાન મુકવા માટે પણ માથા ઉપરની જ જગ્યા જોઈએ એવા આગ્રહથી ઘણાખરા પીડાતાં હોય છે...એવા જ એક બહેનને બેઠા હતાં ત્યાંથી થોડો પાછળ સામાન મુકવો પડ્યો,,,તો એમણે નિયમ બનાવ્યો કે જે પણ ત્યાંથી આગળ રેસ્ટરૂમ વાપરવા આવે તેને રોકે અને કહે .... ' જરા ખોલી ને જુવોને પ્લીઝ ...બ્રાઉન બેગ છે ને અંદર?
એમનો આ ખેલ ૪ કલાકથી જોઈ રહેલા એક બહેનની ઉઘ બે વાર બગડતા એકદમ મોટા સૂરે ઘાંટો પાડ્યો ...'એલી એએએએ...તું ટ્રેનમાં નથી જતી કે કોઈ તારી બેગ લઈ જાય...ચુપચાપ સુઈ જા' .....થોડીવાર માટે સોંપો પડી ગયો...સુતેલા લોકોના નસકોરાનાં અવાજ પણ બંધ!!
રેસ્ટરૂમમાં જે રીતે આપણા લોકો વર્તે છે તેમાં યુદ્ધનાં ધોરણે સુધારો જરૂરી છે. એક તો પર્સનલ સાઈઝની મીનીરેસ્ટરૂમ,,,એમાં પણ બે કલાકમાં જ હાલત રસ્તામાં હોય તેવા પબ્લિક સોચાલય જેવી કરી દે...જ્યાં ત્યાં ટીસ્યુ ને ફ્લોર પણ ભીનો...બાકી હોય તો વાડકી જેટલા વોશબેસીન માં તમાકુ ખાઈને કોગળા કર્યાં હોય પણ એ સાફ કરવાની બાધા લીધી હોય. નોનસ્ટોપ ફ્લાઈટમાં જવું હોય તો આગલે દિવસથી ખાવાપીવાનું બંધ કરીએ તો કદાચ બહુ વાંધો ના આવે.
ખાવાનું લઈને આવે ત્યારે મજા પડે...લોકોનાં હાવભાવ જોવાની. કચકચ ચાલુ જ હોય...વેજ વાળાને નોનવેજ અને નોનવેજ વાળાને ભૂલથી વેજ આપી દે ત્યારે,,, અધીરાઈ એટલી આવી જાય એ લોકોમાં,,, કે કદાચ ખાવા નહી મળે તો??? અને અમુક વર્ગને ત્યારે જ એ ટ્રોલી લઈને આવતી એરહોસ્ટેસ સામે જવું હોય,,,વન-વેમાં ઉધા જતા હોય તેમ લાગે. ખાવા અપાઈ જાય પછી પણ ખૂણેખાંચરેથી અથાણું કે ઢેબરાની ખુશ્બુ પણ આવતી હોય. ક્યારેક કોઈ કોઈના મગજ પર આલ્કોહોલ સવાર થઈ જાય...એ નાટકનો અંત લાવતા એરહોસ્ટેસનાં નાકે દમ આવી જાય. પણ મોઢું હસતું જ હોય. ( આ નોકરીમાં રાખવા પડતા હસતાં મોઢાના લીધે એ બધા રીયલ લાઈફમાં હાસ્યકવિ સંમેલનમાં પણ હસી નથી શકતા)
નાના બાળકો લઈને આટલી લાંબી મુસાફરી કરવી, એ પણ આટલી કોમ્પેક્ટ જગ્યામાં... એ એક બહાદુરીનું કામ ગણાય. પ્લેન ઉડતા ને ઉતરતા કાનમાં આવતા પ્રેશરનાં લીધે દરેક બાળક રડતું જ હોય. અને મુસાફરી દરમ્યાન પણ કંટાળે...ઉપરથી આટલા બધાની હાજરીમાં માં-બાપ ઘાંટા નાં પાડી શકે. સાચ્ચે જ આવા લોકોની હાલત 'નાં રહેવાય, નાં કહેવાય' એવી હોય...અને એમની આજુબાજુ વાળાની હાલત 'નાં સહેવાય' એવી હોય.
અમુક લોકો ખુબજ સેવાભાવી હોય...લોકોનાં છોકરાં સાચવે જેથી એ માં-બાપ ખાઈ શકે, સામાન ચઢાવવા કે ઉતારવા લાગે. અને ઘણા લોકો બધા ફોર્મ્સ ભરવામાં મદદ કરતાં હોય.
એક ચતુર નારી એરપોર્ટ પર મોટા અવાજે એની મમ્મી ને દીકરા ને નોનસ્ટોપ સુચનાઓ આપ્યા કરે...અને સફર દરમ્યાન પણ એની મમ્મીને કહે કે..... 'જો જે ...ઇન્ડિયામાં કસ્ટમવાળા આગળ બધું સાચુ બોલીને બાફતી ના...'
પ્લેન બદલતાની સાથે જ એણે જોયું કે અડધું પ્લેન ખાલી છે એટલે આરામથી બેસવા માટે એણે બીજા બહેનને અંગ્રેજીમાં કહ્યું કે...
'મારો દીકરો એના બા વગર નહી સુવે,,,તમે સાઈડ પર જાવ છો?'
બહેજ ઉઠીને સાઈડ પર ગયા કે તરત જ એ ચતુર બોલી એની મમ્મીને ....
'જા જલ્દી અને બંન્ને સીટ પર પલાઠી વાળીને બેસી જા....પેલી જે ખસી ગઈ તે ગુજરાતી નથી લાગતી...એને સમજ નથી પડવાની' (જય હો )
જો કે આજુબાજુ વાળાની વાતો સાંભળવાની પણ મજા તો આવે જ. ક્યારેક કોઈ સમાન વિચારધારા વાળુ જણાય ને ક્યારેક બારોબાર કોઈ બીજા બે વ્યક્તિની વાતો સાંભળીને ત્રીજાનું જડબું લટકી જાય.
"તુલસી ઇસ સંસારમે ભાત ભાત કે લોગ" ....આ વાક્ય એકદમ સચોટ લાગે પ્લેનમાં....
વિશ્વાસ નથી આવતો તમને ??? ,,,,નીચે લખેલાં વાક્ય કાનોકાન સાંભળેલા છે ...સાચ્ચે...તમારા સમ!!!!!
'હું મીડલઈસ્ટની એરલાઈનમાં ટ્રાવેલ એટલે કરું કે એમનાં પ્લેન હાઈજેક ના થાય'
'મને તો પ્લેનમાં બેસતાંની સાથે જ ઘણાં લોકો ટેરેરીસ્ટ જેવા દેખાય'
'હું એર ઇન્ડિયામાં નાં જાવ...મને એ લોકોની એર હોસ્ટેસ નાં ગમે'
'હું પણ ...મને એર ઇન્ડિયાનું ખાવાનું નાં ભાવે'
'મેં તો સોનું વિકસની ડબ્બીમાં મુકયું છે ...કહે છે કે એમાં મુકીએ તો પેલા મશીનમાં નાં દેખાય'
'અલી જવા દે ને...મેં બે જીન્સ પહેર્યા છે ને ઉપરથી આ પંજાબી,,વજન બેગમાં વધી ગયું અને મારા ભાઈ એ છેલ્લી ઘડીએ વસ્તુઓ મંગાવી'
'આપડે તો $ ૨૦ ની નોટ પકડાવી દઈએ એટલે પેલો સાહેબ જાતે આવીને સામાન બહાર મુકી આપે' (ઓહો!!)
'ઓય...આ બ્લેન્કેટ આપ્યા છે ઓઢવા તે મસ્ત છે...હેન્ડબેગમાં મુકી દેજે ઉતરતા'
અમુક લોકો પહેલીવાર પ્રવાસ કરતાં હોય તે યે ખબર પડી જાય...એવાજ એક કપલને જ્યારે બ્રેકફાસ્ટ આપ્યો ત્યારે એ કાકી બટરનું નાનું પેક લઈને કાકાને કહે કે....
' લો આ ખીસામાં મુકી દો ,,, ચોકલેટ લાગે છે' ;-)
અને છેલ્લે લગભગ બધા જ ધીરજ ગુમાવી દે છે...એરહોસ્ટેસના ઈશારા કે સૂચનાઓ બધાને ભૂલી પ્લેન ઉભું રહે તે પહેલાં બધા ઉભા થઇ જાય છે,,,જાણે રાષ્ટ્રગીત ગવાનું હોય. પછી તો એ ધક્કામુક્કીની હરીફાઈ ચાલુ. એક સેકન્ડ માટે શ્રીનાથજી યાદ આવી જાય...ત્યાં મંગળાનાં દર્શન વખતે ખાધેલો કોણીના મારનો આભાસ થઇ જાય. પણ એ જે હોય તે આ મુસાફરીમાં સહીસલામત ઉતરીને બહાર આવીએ એટલે પૈસા વસુલ.
No comments:
Post a Comment