પાંચ દિકરીઓ સાથે મધ્યમ્વર્ગનું કુટુંબ. ખુબ જ સરળ અને વ્યવસ્થિત જીવન. કરકસર કરી ને પણ આનંદ થી રહેતા. સાદા નિયમ ઘરમાં હતા.સંધ્યાકાળે ૭ વાગે ઘરમાં બધાએ હાજર રહેવાનું. દીવો કરી આરતી, શ્લોક બધુ સાથે બોલવાનું અને સાથે સાથે બીજા દિવસના શાકભાજી સાફ કરવા લાગવાના. જમી ને ઘરકામમાં મદદ કરવાની પણ પરીક્ષા, વધારે હોમવર્ક, વર્ષગાંઠ કે બેસતુવર્ષ...આ સમયે કામમાં થી છુટ્ટી! જમતી વખતે મમ્મીનો એક જ નિયમ, ' આ નથી ખાવુ કે આ નથી ભાવતુ' બોલ્યા કે ડબ્બલ મળે!!
મમ્મીની સીવણ ઢબના તોલે કોઈ ના આવે. નવરાત્રી હોય તો એમની સાડી માંથી ઘેરદાર ચણિયો એવી રીતે બનાવે કે બીજે દિવસે પાછી સાડી ની સાડી. રોજ નવા ચણિયા-ચોળી જોઇને આસપાસ રહેતા બધાને અને ખાસ તો જેમને એક ની એક દિકરી હોય તેને પણ અદેખાઈ આવતી હતી. આજે અમને પાંચેવને ચશ્મા છે પણ મમ્મી ચાંદનીમાં પણ સોયમાં દોરો પુરવી શકે એવી આંખો છે. અમારા પાંચેવના ઘરે એક બેગ છે જેમાં સાંધવાના કપડા મુકી રાખીએ, જ્યારે પણ મમ્મી આવે ત્યારે બેગ લઈ જાય. અમારા છોકરાઓ પણ બા ને કહે કે ' બા, આ પેન્ટ માંથી શોર્ટસ કે કેપ્રી કરી આપો', એટલે બા તો પાછા બધા સ્ટોરમાં ફરીને નવી સ્ટાઈલ જોવે અને તે પ્રમાણે કરે. અમારા બધાના પતિદેવનો પણ એક જ સૂર ' મમ્મી આ સુટ/પેંન્ટ/શર્ટ નું ફીટીંગ કરી આપો!!' અમારા કોઇ પંજબી ડ્રેસનું વધેલું કાપડ હોય એટલે મેચીંગ પર્સ કે મથામાં નાખવાની સ્ક્રંચી તૈયાર. એમની ચોખવટ અને ગોઠવણી એટલી સરસ કે અત્યારે પણ એમનું ઘર જોઈને એમ થાય કે કોઈ કેટેલોગનો ફોટો છે. મમ્મી જ અમને બધાને ભણાવતા. અક્ષર ખરાબ હોય તો નોટબુકના પાના ફાડી નાખતા, ચંપલ વચ્ચે કાઢ્યા હોય તો સીધા ઘરની બહાર ફેંકી દેતા. અમે કોઈ વાર કામ માટે ઝગડીએ કે 'હું કચરો વાળુ ને તુ પોતુ કર' તો બંન્નેથી કચરો કઢાવે ને બંન્નેથી પોતા કરાવે. બહાર પણ કોઈ સાથે બોલચાલ થાય તો 'તુ આ ઝગડામાં પડી એ જ તારો વાંક!' એમ કહીને કોઇની ખોડખાંપણ ના કાઢવા દે. આવા નિયમોથી અમે ગઢાઈ ગયા. તેઓ વાતે વાતે કહેતા કે 'ચાલશે, ભાવશે અને ફાવશે' એ હંમેશા યાદ રાખજો. આ બધા પાછળ તેમનો એક જ હેતુ હતો કે સમજણથી કામ કરીએ જેથી સંપ રહે અને વ્યવસ્થિત રહીએ. એટલે જ આજે અમારા સંતાનો માટે પણ આ જ નિયમ.
પપ્પા અમારા એક્દમ અલગ. તેઓ ક્યારે પણ અમને વઢે નહી. તે એક જ વાર અમારી સામે જુવે એટલે અમે ચુપ. એક જ વાક્યમાં સમજાવી દીધુ કે સ્કૂલ અને કોલેજમાં જાવ ત્યારે વાળ છુટ્ટા રાખવા નહી, મેકપ કરવો નહી, કાન ના બુટથી લાંબી બુટ્ટી પહેરવી નહી, હીલ વાળા ચંપલ પહેરવા નહી અને વાળ તમારા સાસરે જાવ ત્યારે કપાવજો. કોઈ વાર ફોરેન થી આવેલા ટાઈટ ડ્રેસ પહેરીએ તો પુછે કે ' કુતરુ તારી પાછળ પડે તો કેવી રીતે દોડીશ?'
દર મહિનાની પહેલી તારીખે થોડી મીઠાઈ લઈ મંદીરમાં પ્રસાદ ધરાવી ને લાવે. રંગબેરંગી, ખુબસુરત, તપસ્યા આવા બધા મુવી જોવા બધાને સાથે લઈ જાય. વર્ષ માં એક વાર સાથે ફરવા જવાનું.
પપ્પા નાનપણ થી પોતાની મરજીનું જ કરતા આવ્યા છે. ગામ છોડી શહેરમાં આવ્યા, જાતે નોકરી શોધી, પોતાની મરજીથી લગ્ન, તે જમાના માં લવમેરેજ!!. અડધી રાત્રે A+ બ્લડ ની જરુર પડે એટલે એ આપવા દોડે. કોઈ પણ આવીને કહે કે 'ફલાણા ગામ માં પૈસાની લાલચે દારૂડીયો બાપ તેની દિકરીને ગમેતેવા માણસ સાથે પરણાવે છે' એટલે પપ્પા એ છોકરીને અમારી ઘરે લાવીને એમના મિત્ર કે સગામાં જે પણ યોગ્ય લાગે એની સાથે અમારા ઘરમાં જ તાત્કાલીક લગ્ન કરાવી દે. એ બધા આજે ખુબ જ સુખી છે. પૂર આવે ત્યારે તણાઇ જતા પ્રાણીને પણ બચાવીને લાવે. મોરબીમાં પૂર આવ્યું ત્યારે સૌથી પહેલા ટ્ર્કમાં જરૂરી સામાન સાથે પહોંચ્યા હતા, અને અઠવાડીયા પછી પાછા આવ્યા ત્યારે ત્યાંની વાત કરતા રડી પડ્યા હતા. તેઓ જ્યાં કામ કરતા, એલંમ્બિકમાં, ત્યાં પણ આગ લાગતા જીવ જોખમમાં મુકીને જરૂરી કાગળ બચાવ્યા હતા. તેઓ ક્યારે પણ કોઈની પાસેથી ઉધાર લેતા ન હતા. જ્યારથી તેમના ગામ ધર્મજથી વડોદરા આવ્યા, એમણે એમના ભાઈઓ તથા બહેનોને યથાશક્તિ મદદ કરી હશે, પણ પોતાના હક્કનું, બાપદાદાના વારસાનું બધુ ગામમાં રહેતા ભાઇને આપી દીધુ. આ બધી એમની રીતથી અમે જીવનના ધણા પાઠ શીખ્યા.
જ્યારે હાર્ટ-એટેક આવ્યો ત્યારે જાતે જ દવાખાનામાં ભરતી થઈ ગયા હતા. ત્યારે મમ્મીના મોઢા પર પણ ગજબનો વિશ્વાશ હતો કે 'સાહેબ ને કાંઇ ના થાય." ભલે ઘરમાં મમ્મીનું રાજ હોય પણ પપ્પાને તેઓ સાહેબ કહે!! જો કે આજ સુધી અમે ક્યારે પણ એ બંન્નેનાં મોઢા પર ચિંતા નથી જોઇ. 'ભગવાન જે કરે તે બરાબર જ કરે' આવું હંમેશા બોલે. પછી તો અમેરીકા આવ્યા, પાછુ નવેસરથી બધુ સરુ કર્યું. બંન્ને જણે જોબ, ઓવરટાઈમ, ઘરની જવાબદારી હસતા મોઢે નીભાવી. એક જ ધ્યેય કે બધી દિકરી ભણે. બધાને ભણાવ્યા અને પરણાવ્યા. તેમની નોકરી માંથી મળતી બધી રજાઓ પણ અમારા બધાની સેવા માં જ!..દરેક દિકરી ના સુવાવડના સમયે હાજર. બા અને દાદાજી ની ભુમીકા પણ અદલ નીભાવે છે. મમ્મી ને પૌત્ર તરફ લગાવ વધારે અને પપ્પા ને પૌત્રીઓ તરફ ખેચાણ, એટલે ત્યાં પણ હિસાબ બરાબર!!
હવે નિવૃત થયા પછી પણ એટલા જ આનંદથી જીવન વિતાવે છે( touchwood)! આખો દિવસ હરેફરે, મોલ માં જાય, મુવી જોવા જાય અને તે બંન્ને ની વ્હાલી જગ્યા એ અચુક જાય...તે છે કેસીનો!! પાછા જીતી ને આવે તો બધા બાળકો ને વ્હેંચી દે. મમ્મીએ ધણા લેસન લીધા પણ ડ્રાઈવીંગ ના શીખી શક્યા, પણ એ જોડે હોય એટલે પપ્પા ક્યારે પણ ભુલા નહી પડે, વર્ષો પહેલા ગયા હોય એ રોડ અને ગલી બધુ યાદ. ઇન્ડિયન સ્ટોર માં હોય કે અમેરીકન સ્ટોરમાં, બધાને ફોન કરીને પુછે કે 'કશું લાવવાનું છે?'
અમે પાંચેવ બહેનો આજે પણ વિચારીએ છીએ કે "શું આપણે આવા થઈ શકીશું??" ....જેમને બધા હંસાબહેન અને જશભાઈ ના નામે ઓળખે છે.
No comments:
Post a Comment