Wednesday, August 24, 2011

પારકે ભાણે...

દૂરથી ડુંગર રળિયામણા લાગે એમ જ પારકી થાળીમાં ભાણું પણ અતિશય રળિયામણું દેખાય. આવી જ બીજી પારકી પણ ગમતી   વાત ધ્યાનમાં આવી. દરેકનાં ઘરમાં તુલસી કે મનીપ્લાન્ટ તો હોય જ...પણ એ દરેકને બીજા દરેકનાં ઘરનાં પ્લાન્ટ્સ હંમેશા પોતાનાં કરતા સારા જ લાગે...કેમ એમ??

     અમારી સ્કૂલમાં તો એવાં બધા હતાં કે જેમનાં ઘરમાં બદામના ઝાડ હોલસેલમાં હોય પણ બીજાનાં ઘરમાં ઝાડને પત્થર મારીને બદામ તોડતાં, ખીસામાં ભરતાં અને મસ્તીથી ખાતા. પત્થર મારીને બદામ કે બીજા કોઈ પણ ફ્રૂટ્સ તોડવાની મજા જ અલગ.  જેમનાં ઘરમાં પથરા પડતાં એ લોકોની વ્યથા ત્યારે નહતી સમજાતી.  (કોઈકવાર)  હજુ પણ જો કે એ નથી સમજાતી, એમ જ થાય છે કે એ તોડીને ખાવું એ તો જન્મસિદ્ધ હક્ક હતો.

    ક્રિકેટ રમતાં છોકરાઓએ જેટલા બારીના કાચ નહી તોડ્યા હોય એટલા બદમતોડ ગેન્ગ તોડતી...અને તોડીને ભાગતી. અર્જુનની જેમ અહીં કોઈ દ્રોણાચાર્યની પ્રોફેશનલ ટ્રેનિંગ મળી ન હતી પણ પથરો તો બરાબર નિશાને જ વાગતો,,,જો કે થોડાંક બારીના કાચ અડફેટમાં આવી જતાં. કોઈની ગુસ્સાભરી નજર તો ક્યારેય નોંધી ન શક્યા  પણ દરેક ઘરમાંથી કેવી રાડ આવશે એ હકીકત ધ્યાનમાં રાખીને જ આવા કામ કરતાં એટલે નાહકના ગભરાઈ ન જવાય.

   એવામાં એક વાર બસ જતી રહેશે એ ઉતાવળ હતી ને ઝાડ પરની પાકી બદામ બોલાવતી હતી.  એક જ પથ્થર ફેંક્યો હતો, પણ એ બદામને અડીને તડકે મૂકેલાં નવા નક્કોર માટલાને જઈ ભેટ્યો,,,ખલ્લાસ....ઘરમાંથી ત્રાડ આવી ...

'એએએએ...ચશ્મીશ...સંડાસમાં પૂરી દઇશ'
(આ વાત જ્યારે પણ યાદ આવે ત્યારે મગજ ઓવરટાઈમ કરે કે... એમ કરીને એમને શું મળવાનું હતું?)

  ચાર પાંચ અઠવાડિયાં પછી  ઘરનાં વડીલ  સાથે ત્યાંથી પસાર થતા ફરી ત્યાં એ જ ઘર આગળ અટકવું પડ્યું, બદામ માટે નહી પણ અમારા ઘરનાં વડીલ અને એ ધમકી વાળો અવાજ એ બંને એકબીજાને ઓળખતા હતાં.  થોડીવાર પછી વડીલને કચવાયેલા મનથી થોડું થોડું કહેવાઈ ગયુ  કે...

'એ અમને બહું ગમતા નથી ...અમે શાળાએ જઈએ ત્યારે એ રાડારાડ કરીને ધમકી આપે છે ...'

તો વડીલ બોલ્યા ...  'એમ ન કરાય...એ તો આપડી ભાણીના સાસરીવાળા છે'

    એ વાતને ૯ વર્ષ વીત્યા હશે અને એ જ ધમકેશ્વર મારા સાસરી પક્ષે પણ કુટુંબી જ થયાં ...આખરે સંડાસમાં નહી તો કુટુંબમાં તો પૂરી જ!!!  એક ન તૂટેલી બદામ ની સજા...
( ડોન્ટ વરી ...એ ફેસબુકે નથી,,, હાં એમનો દીકરો છે, જે ગુજરાતી વાંચી નથી શકતો :] )

  એટલે પારકા ઝાડની બદામ તોડતા તો તોડી લેવાની જ....એનો વાંધો નથી પણ પછી તમે કેવા શ્રાપનો શિકાર બનો છો એ તમારું નસીબ.

    વર્ષો પહેલાં કુટુંબમાં જ લગ્ન નિમિતે પંડિતનો ફોન આવ્યો કે બે હાર ફૂલોનાં જોઈશે. અમેરિકામાં નાના ટાઉનમાં ફૂલવાળો એક અને એની દુકાન બંધ. સવારે હાર ક્યાંથી લાવવા એ ચિંતા. એટલે ગાડી લઈને અજવાળે નીકળ્યા, કરમચંદ જાસુસની જેમ જ.  એક ગાડી ચલાવે ને બે જણ નોંધ લે કે કોના બેકયાર્ડ કે ફ્રન્ટયાર્ડમાં ફૂલ ઊગેલા છે અને ક્યાંથી ચુપચાપ તોડી શકાશે. આટલુ હોમવર્ક કરીને રાત્રે ૧૧ વાગે તોડેલા ફૂલ લાવીને હાર બનાવ્યો. પારકા પ્લાન્ટ્સ આટલા વહાલા ક્યારેય નહોતા લાગ્યાં. 

      હમણાં એક સગાને ત્યાં જવાનું થયું, આંગણામાં જ ફુદીનાના અલગ અલગ કુંડા અને એક કુંડામાં ફુદીનાની જ સુગંધીવાળો છોડ    પણ પાન જુદા દેખાતા હતા એટલે કુતૂહલવશ પૂછ્યું તો કહે કે એમનાં પાડોશીએ આપ્યો છે , પછી એમણે પૂછ્યું  કે...

 'તમારે જોઈએ છે? અમારા પાડોશીએ કહ્યું છે કે જ્યારે પણ જોઈએ ત્યારે એમનાં બેકયાર્ડ માંથી લઇ લેવો.'

   નેકી ઓર પૂછપૂછ!!  ખુશીથી પાડોશીનાં બેકયાર્ડમાં પહોચ્યાં અને એક નાનો પ્લાન્ટ જમીનથી ઉખાડવા લાગ્યાં, જેવો હાથમાં આવ્યો કે જાણે 'ઓટો પાયલોટ' પર હોઈએ એમ દોડવા માંડ્યા. થોડા ડગલા દોડ્યા પછી જાતે જ અટકીને બોલ્યાં....

 'આપણે કેમ દોડીએ છીએ?? એમને તો સામેથી લેવાનું કહ્યું જ હતું'

    આવી તો ઘણી  'ઓટો પાયલોટ' અવસ્થા માટે આ બધી પારકી ગમતી વસ્તુ જ જવાબદાર ...શું કહો છો??

    પછી કોઈનાં ઘરમાં નવું ફર્નીચર હોય કે ટીવી...ઓનિડાની એડની જેમ પોતાને પણ જોઈએ જ,,, એવાં વિચારના બે શિગડા ઉગવા જ માંડે.  ભલા ઉસકી સફેદી મેરી સફેદી સે જ્યાદા કેસે?? ...આ વાત દરેક જગ્યાએ આવે જ ...પારકું ભાણું હંમેશા સારું જ લાગે.

     ચિનાઈ માટીની બરણી ભરેલો તડકાછાયાનો છુંદો ઘરમાં હોય, પણ એક ધાબા પરથી બીજા ધાબા પર કૂદકા મારીને બીજાના છુંદાના તપેલામાંથી ઉજાણી કરતાં લોકોના મોઢા જોયા છે??
  પારકા ઘરની અગાસીમાં સૂકવેલાં પાપડ કે પાપડીના પડીકાં વાળીને છાનામાના મોઢામાં મુકતા લોકોનાં ચહેરા પરનો સંતોષ જોયો છે?
   વેકેશનમાં મોસાળમાં જઈને બારોબાર પારકા લોકોનાં પેપર લઈને એનાં બદલે ભારોભાર  ફાલસા લઈને ખાધા છે ??
   કોઈ પારકા ઘરમાં ડોરબેલ વગાડીને ભાગ્યા છો?
    ફુગ્ગાઅગિયારસે અગાસી પર ટોળામાં રહીને તાકીને કોઈને ફુગ્ગો મારવાનો અને પછી એવી રીતે ઉભા રહેવાનું કે આખું ટોળું વાંકમાં દેખાય પણ તમે જ બચી જાવ, તમારા પર કોઈને શક પણ ન જાય... તમે એવા શાંત કોઈ પારકાને લાગ્યા છો? (આ કરવા જેવું ખરું હોં કે.)
    સાયન્સમાં ભણ્યા હોવ તો કોઈ ક્લાસમેટની એકદમ પરફેક્ટ ડાયસેકટ કરેલી ટ્રે ને લઈને પોતાની બનાવી દેવામાં જે મજા છે તે જાતે મહેનત કરીને કરવામાં છે જ નહી...       

     જો આમાંથી કશું જ ન કર્યું હોય તો 'ટાઈમપ્લીઝ' કરો અને પાછા જાવ,,, જઈને કરી જુવો. આવા અનુભવની તો મજા જ જુદી હોય અને લોકોને આવું કરતાં જોવાની મજા પણ અલગ હોય છે.   ||અસ્તુ||  :))

No comments:

Post a Comment