Wednesday, August 3, 2011

માન્યતા...

સંજય દત્તની પત્ની વિશે આ લેખ હશે એ વિચારે જો વાંચતા હોવ તો વિચાર બદલો.  મગજમાં ભરાયેલી માન્યતાઓની વાત છે અહીં... બહુવચન વાળી.

        માન્યતા એ જૂના રિવાજોનું ફેન્સી નામ છે.  ‘અસ્તર તો પુરાણાં જ છે...વસ્ત્ર નવા.’   પહેલાના અમુક રિવાજોમાં લોજીક હતું.  પણ હવે તો ગાડરીયા પ્રવાહમાં તણાતા જઈએ છીએ.

         જેમ કે પહેલાંના વખતમાં દીવાનાં અજવાળે... સંધ્યાકાળે કચરો નહી વાળતા.  કારણ તો બરાબર જ હતું કે ઝાંખે અજવાળે કશું કિંમતી વસ્તુ કચરા સાથે  ફેકાઈ નહી જાય.  પણ એ માન્યતા હજુ  બિચારી પગ ઢસડતી ચાલ્યે જ જાય છે.  હવે તો દિવસ કરતાં પણ રાત્રે વધારે અજવાળું હોય છે,  પણ વિચારોમાં હજુયે ફાનસ જેવા ઝાંખા અજવાળા.

        ક્યારેક કોઈને  એક છીંક આવે ત્યારે એ બીજી છીંકની કાગડોળે રાહ જોતા હોય.  છીંકમાં પણ પ્રકાર,,,બે છીંક આવે તો શુભ અને એક છીંક આવે તો અશુભ.  એક અપશુકનિયાળ છીંક શુકનિયાળ થઇ જાય જો એને બીજી છીંકનો સહારો મળે તો.

        આમ જોઈએ તો... નોર્મલ ડિલીવરીમાં થયેલું બાળક કોઈ ચોઘડિયાં જોઈને નથી આવતું, પણ સિઝેરિયનથી આવતું બાળક પંચાંગ પ્રમાણે અવતરે. બાળકોનાં દેખાવને પણ માન્યતામાં લપેટી દેવાય.  માથાની પાછળનાં ભાગમાં જો ભવર જેવો ગોળ આકાર વાળમાં દેખાય તો...
       'ભાઈ આવશે હવે,,,બીજા ખોળે'

       અને બે ભમરા હોય તો ટ્વીન્સ!!!


      હજુ પણ લગભગ દરેકનાં ઘરમાં અડધા સાયન્ટીસ્ટ અને અડધા  જ્યોતિષી રૂપે એક જણ ભાવિ કથન સાથે તૈયાર જ હોય.  એમાંય જો નાનું બાળક નવું નવું ચાલતાં શીખે ત્યારે એ વચ્ચે અટકીને નીચો વાળીને બે પગ વચ્ચેથી પાછળ જુવે કે એમની માન્યતા પ્રમાણે ભવિષ્યવાણી સંભળાય...

    'ઓહો ...બીજાનાં આગમનની તૈયારી કરો'

     ક્યારેક એમ થાય કે આવાં નીચા નમી નમીને પાછળ વળીને વસ્તી વધારવામાં આ નિર્દોષ દેખાતા ટેણીયાઓ તો જવાબદાર નથી ને?


      સૌથી ખોખલી માન્યતા ખોળો ભરે ત્યારે અપનાવે છે.  એમ માને કે પહેલે ખોળે સુપુત્ર હોય તે જ માતાનાં હાથે આ કામ થાય,  જેથી જનેતા ને પણ પુત્રપ્રાપ્તિ થાય.

     પહેલે ખોળે આવો ખેલ કર્યા પછી પણ જો પુત્રી આવે તો એનો ખર્ચો એ ખોળો ભરવાં આવેલી પુત્રની માતાએ આપવો... આ નિયમ મુકીએ તો કેવું?   કે પછી જો પુત્ર નહી જન્મે તો કોર્ટમાં કેસ કરાય એવી સવલત હોવી જોઈએ.

     કોઈ કારણસર માતા નહી બની શકી હોય એવી સ્ત્રીને તો નજીક પણ નહી આવવા દે આ પ્રસંગ દરમ્યાન.  એનાં હાથે જ કરાવવું જોઈએ આ શુભકામ જેથી જે અનુભવ એને નથી મળ્યો તે જ અનુભવ બીજા ને મળશે એ વાતની ખુશી એનાં જીવનનો એક હિસ્સો રહશે...હંમેશા.     સુધરો યાર....ક્યાં સુધી??  

     આપણે એવું માનીએ કે લાંબે પ્રવાસે જવાનું હોય તો દહીં ખાઈને નીકળવાનું જેથી સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધારે રહે શરીરમાં ને મુસાફરી દરમ્યાન કોઈ બીમારી નહી નડે.

    પણ હવે તો કોઈ પરિક્ષા આપવા જાય તો કહે ...લે અડધી ચમચી દહીં ખા!!!

    અને નવી જોબ પર જાય તેને પણ...લે તું પણ દહીં જ ખા!!

     બિચારી બિલાડીને તો કામ વગર જ ટાર્ગેટ બનાવી.  એમાં પણ કાળી બિલાડી હોય તો ખલ્લાસ.  એ જો કોઈનાં પણ રસ્તામાં આવી વચ્ચે કે ઘણાં લોકો તરત જ  રસ્તો બદલે.

    બિલાડીઓના હાથમાંથી આપણે એક વાંદરાની મદદથી વાર્તામાં હજુ પણ પૂરી ખૂંચવીએ છીએ. અને હવે જ્યારે પૂરી વગરની બિલાડી રસ્તે એકલી જતી હોય તો આપણે રસ્તો બદલીએ...ક્યારેક તો એમ લાગે કે આપણા મગજમાં બીક ભરાઈ ગઈ છે કે આ બિલાડી બદલો લેવા આવશે વાર્તાનો...એટલે જ રસ્તો બદલતા હોઈશું.   

     બિલાડી પણ જો આપણા જેવું વિચારે કે,,, આ માણસ આવ્યો સામે, હવે રસ્તો બદલું...તો એ તો એનાં ઘરે જ નહી પહોંચી શકે. આખો દિવસ માણસો જોઈને રસ્તા જ બદલતી રહે.

    અહીં તો લોકો ઘરમાં બિલાડી પાળે.  ભૂલેચૂકે એવા ઘરમાં આવી માન્યતા વાળા મહેમાન બને અને સુવા માટે બેડરૂમમાં જતાં જો બિલાડી આડી આવે તો શું રસ્તો બદલીને બાથરૂમમાં સુવા જાય કે??

      ઘણાં ઘરમાં મીઠું હાથોહાથ નહી આપે તો ઘણાં લોકો કાતર સીધી હાથમાં નહી આપે, પહેલા નીચે મુકે ને સામે વાળાએ જાતે લેવાની.

       જો પૂછીએ  તો એક જ  જવાબ .... 'અમે આવું માનીએ છીએ.'

        ભલે ત્યારે...એવું માનો, પણ કારણ તો જાણો.


        સાંભળ્યું છે કે  બુધવારે બધું બેવડાય!  અને બીજુ એ પણ સાંભળ્યું છે કે બુધવારે જેને ભાઈ હોય તેણે વાળને શેમ્પૂ નહી કરવાનું!!   કારણ એ જ કે એમનાં ભાઈની ઉમર ઓછી થઇ જાય.  આ કેવું કનેક્શન?  બહેનનાં વાળનું ભાઈની ઉમર સાથે?

       અઠવાડિયામાં એક દિવસ નખ કાપવા માટે અશુભ અને અમુક દિવસ શેમ્પૂ કરવા માટે અશુભ.   અમુક દીવસે ખાસ કઠોળ ખાવું અને અમુક કઠોળ કોઈ ખાસ દીવસે નહી ખાવાનું. આવું માનતા અને નહી માનતા લોકોના જીવન વચ્ચે કોઈ તફાવત ધ્યાનમાં આવ્યો છે ખરો??

         સરકારી ખાતામાં આવાં માન્યતાવાળા નિયમો મુકવા જોઈએ.  કે લાંચ આપવા માટે ફક્ત ૨૯  ફેબ્રુઆરી જ શુભ.

       અહીની ઈમ્પોર્ટેડ પ્રજા પણ બાકી નથી આવી વાતોથી.  અહીનાં લોકો બ્રીજની નીચે થી પસાર થાય અને ઉપરથી ટ્રેન જાય તો કહે...
   'મેઇક અ વીશ'  
        શું વીશ??,,, કે આ બ્રીજ નહી  તૂટે અને ટ્રેન મારા પર નહી  પડે એ??    કે પછી ...ત્યાં કોઈ બોમ્બ નહી ફાટે એ?? 

      એક પેની નીચે પડી હોય તો જો હેડ દેખાય તો લેવાની અને ટેઈલ દેખાય તો બેડ લક ગણાય એટલે નહી લેવાય.

      પૈસૌ અને બેડલક??  છે કોઈ મેળ અહીં??

      નિસરણી નીચેથી જાવાનું નહી ...બેડલક.

      રસ્તામાં કે સાઈડવોકમાં તિરાડ પર પગ નહી મુકવાનો ...કેમ??

      તો જવાબ...  'ઇફ યુ વોક ઓન અ ક્રેક યુ વિલ બ્રેક યોર મધર્સ બેક'

     એટલે તૂટેલી કમર વાળી મમ્મીઓએ એમનાં બાળકોને એ માટે જવાબદાર ગણવા. બાકી કોઈ બીજા કારણે તૂટે જ નહી.  હવે સમજાયું કે  ભારતમાં ગામડામાં રહેતા ઉમરવાળા બહેનો એકદમ મજબુત હોવાનું કારણ,,, ત્યાં પાકા રસ્તા હોતા જ નથી. એટલે તિરાડ પડવાનો સવાલ જ નથી.

      હમણાં થોડા વખત પહેલાં આજતક ચેનલ પર એક જ ન્યૂઝ આવ્યાં કરે કે ... ગુજરાતમાં એક કબ્રસ્તાન આગળથી પસાર થતાં જો તમે હિમેશ રેશમિયાનું ગાયન ,,, 'એક બાર આજા આજા આજા...' ગાવ તો એક ભૂત તમારી જોડે આવે છે.

     મહાદેવજી જેવા જ એકદમ ભોળા એ ભૂતભાઈ હશે, એને થોડી ખબર કે હિમેશ નાકના અવાજે એનાં ગળાના અવાજને ‘આજા આજા ..’  કહી બોલાવી રહ્યો હતો. અને લોકોતો આમજ હિમેશનો વહેમ મારવા માટે ગાય.

      જો કે આ વાત સાંભળીને અહીં એક જણ કબ્રસ્તાન નજીક જઈને ગાયન ગાઈ આવ્યું, અને કહે કે ભૂત નહી આવ્યું,  કદાચ અહીનાં ભૂત માટે અંગ્રેજીમાં ગાવું પડે.

     ઉગતા સૂર્યની પૂજા કરવી એ શાસ્ત્રમાં લખ્યું છે. પણ સમય અને સંજોગો જોઈને કરવી એ લખવાનું ભુલાઈ ગયું હશે.

     એક મોટેલમાં આવેલા ભાઈને સતત યાદ દેવડાવ્યું કે આવી રીતે ટોવેલ લપેટીને સવારમાં મેઈન રોડ પર આમ લોટો લઈને સૂરજદેવને પાણી અર્પણ નહી કરો.  ઠંડી ખૂબ જ  છે,  બહાર સ્નો બધો સખત થઇ ગયો છે,  ખુલ્લા પગે આવું કરશો તો ફ્રોસ્ટબાઈટ થશે પગમાં,  તમે બીમાર થઇ જશો, લપસી પડશો...વગેરે.

      પણ એ ભાઈ પર કોઈ જ અસર નહી જણાઈ.  એકવાર ખરાબ વેધરના કારણે સવારે કામ કરતો સ્ટાફ ૧ કલાક જેટલો મોડો આવ્યો.  આવીને જુવે તો ટોવેલ લપેટીને એ ભાઈ હાથમાં લોટા સાથે એક ખૂણામાં થરથર કાંપે.

     જલ્દીથી ઓફીસ ખોલીને એમને હીટર સામે બેસાડ્યા ને પૂછ્યું કે આમ કેમ બહાર ઉભા હતાં...  તો કહે,,,
    “પાણી રેડતો હતો ને પવનનાં લીધે બારણું વસાઈ ગયું,  ચાવી અંદર રૂમમાં,  અને ઓફીસ બંધ.”

      ત્યાર પછી તો બે મહિના રહ્યાં એ ભાઈ પણ એમની માન્યતા બદલીને.

       તમે રાખી છે કોઈ આવી ફેન્સી માન્યતા?.     

No comments:

Post a Comment