Tuesday, September 27, 2011

એ ઉઠ!!!

   ટાઈટલ  વાંચીને ઉભા ન થઇ જતાં, તમને નથી કહ્યું.  હવે તો ખબર નથી પણ વર્ષો પહેલાં વહેલી સવારે 'વંદના' કાર્યક્રમ રેડીયો પર આવતો, અને એમાં ખૂબજ સરસ ગુજરાતી ભજન, ગીત, પ્રભાતિયા વગેરે સવાર સુધારી દેતાં.

   એમાનું એક ગીત હતું જેમાં કૃષ્ણને સવારે યશોદામાતા કેવી રીતે ઉઠાડતાં એનું વર્ણન સૂરીલું હતું,

'જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે...'

  હવે તો કૃષ્ણ હોય કે રાધા...આ ગીત વગાડીને ઉઠાડવા જઈએ તો મોઢું ઓશિકા નીચે દબાવી દેશે. જો કે હવેની યશોદામાતાઓ પણ મોડર્ન થઇ ગઈ છે. સૂર-તાલમાં સવારે બાળકોને ઉઠાડવામાં નથી માનતી. ઓટો રીવાઈન્ડ પર હોય એમ રોજ એક જ સૂર અને સ્ટાઈલમાં બાળકોને ઉઠાડવાની પ્રથા થઇ ગઈ છે.

   દરેકને સવારે પોતે જ ઉઠવામાં વાંધો હોય અને એમાં પણ પોતે ઉઠીને બીજાનેય ઢંઢોળવા પડે તો બમણો વાંધો. બધાની લાઈફ ફાસ્ટ ટ્રેક પર ચાલતી હોવાથી મોટે ભાગે ઊઠવા અને ઉઠાડવાની રીતો હાઈટેક થઇ ગઈ છે. સવારે મમ્મી પપ્પાએ હવે જોબ પર જવાનું હોય અને બાળકોએ સ્કૂલમાં એટલે શરૂઆત જ હાઈ વોલ્યુમથી થાય. શાળાનો પહેલો દિવસ કે પહેલું અઠવાડિયું  હોય ત્યારે માતા-પિતા ખૂબજ પ્રેમથી બાળકને ઉઠાડે અને એમનું બાળક પણ પ્રેમથી ઉઠે. ખરી બેસૂરી અંતાક્ષરી એક બે અઠવાડિયા પછી શરૂ થાય.

-જલ્દી ઉઠ.
-અલા એ ઉઠ...ઉભો થા.
-આજે બસ ગઈ તો હું મુકવા નથી આવવાની.
-ઉઠને બાપ!!!આ શું રોજ રોજ બુમો પડાવે છે.

  આ બધા કોમન વાક્ય એલાર્મ બોલે પછી બોલાય, લગભગ બધાના જ ઘરે.

એકવાર એ પોયરાં પથારીમાંથી ડ્રેગ કરીને પોતાની જાતને બહાર લાવે પછી શરૂ થાય અંતાક્ષરી ભાગ ૨.

-ઓયે...બ્રશ પકડીને ઉભો કેમ છે?? જલ્દી કર.
-તું ફરી ટોયલેટમાં સુઈ ગઈ કે?
-પાણી જતું રહેશે,,,જલ્દી ન્હાવા જા.
-હજુયે તે સ્કૂલબેગ નથી ગોઠવી??
-આજે લંચ ખાઈ જજે, રોજ જ તારા નાટક હોય છે.
-નાહીને નીકળે છે પણ મોઢુ જો...જા ફરી મોઢુ ધોઈ આવ.
-એ એ એ એ ...વાળ જો,,, સરખા કર.

આ તો થયા નાના બચ્ચાઓ અને મા-બાપના મોડર્ન પ્રભાતિયા.

   વેકેશનમાં તો પ્રભાતિયું ન સંભળાય, લગભગ બપોરીયું સંભળાય. પહેલાંના વખતમાં તો રજાઓ પડે એટલે બધાની દોટ મોસાળ ભણી જ હોય. અત્યારે જેમ સેલફોન બધાનાં હાથમાં જોવા મળે એમ જ એ વખતમાં દરેક જણનાં હાથમાં વેકેશનમાં એકાદ ભણીબેન કે ભાણાભાઈ જોવા મળે જ.

     અમને અમારા મામા ખૂબ જ લાડ લડાવતાં. એમની એક આગવી રીત હતી અમને બધાને ઉઠાડવાની. પહેલાનાં ઘર પણ મજાના હતાં. અમારી આખી પલટન અગાસીમાં સુતી હોય અને એની ઉપરનાં માળે મામાના રૂમની અગાસી. એ સવારે ઉઠીને એમની અગાસીમાંથી બુમ પાડે...

'જે છેલ્લું ઉઠ્યું એ મગન ઠુંઠીયાંની વહુ'

  કોણ હતા મગનભાઈ એ આજ સુધી સસ્પેન્સ છે. પણ એ અવાજ સાંભળીને અમે બધીજ છોકરીઓ તો ફટાક દઇને ઉભી થઇ જતી પણ છોકરાઓ કેમ ઉઠી જતાં એ વાતે આજે પણ એ બધા અમારી મશ્કરીનો ટાર્ગેટ બને છે.

  મામાની લાડકી હોવાનો એક ફાયદો હતો. અમુક સવારે એમનાં તરફથી એક આગોતરી સુચના મળી જતી.
'જે દિવસે લક્ષ્મી (મોસાળની બાઈ) ન આવવાની હોય એ દિવસે ઉપરથી તારા મોઢા પર થોડું પાણી રેડીશ. સીધી ઉઠીને તૈયાર થઇ જજે. તો મારી જોડે ખેતર લઇ જઈશ, નહી તો ઘરકામ કરવું પડશે.'

 લગભગ ડઝન જેટલા બાળકો અને આટલા બધા વડીલોમાં આપણને જ આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળતું બદલામાં સવારે વહેલું ઉઠવું પડતું. રસ્તામાંથી ગુલશન નંદાની નોવેલ અને મસ્ત નાસ્તો લઇ લેતાં. અને આજ સુધી ઘરમાં એ વાતને લઈને બધા જ હેરાન  કે બાઈ ન હોય ત્યારે જ આ ખેતરમાં કેમની જતી રહેતી હતી.

    એ જ મોસાળમાં જ્યારે બાળકોને લઈને ગઈ ત્યારે ફળીયામાં સવારે પાંચ વાગે ઉઠીને કોઈ દાતણ કરીને મોટેથી ખોખારો ખાઈને ગળું સાફ કર્યુઁ ત્યારે મારી નાનકી કહે,
'મોમ...સમબડી ઇઝ સીક, કોલ ૯૧૧!!'

   અમારા ફૂવા જે ગામમાં રહેતાં એ ગામનાં મુખી હતાં. ફળિયામાં એમનું ઘર ઉચું. એટલે ત્યાં પણ અગાસીમાંથી સવારનો નજારો જોવાની ખુબજ મજા આવતી. કોઈ ભજન ગાતા ગાતા ભેંશ દોહતું, કોઈ ગરમ પાણી કરવા બંબા નીચે લાકડા સળગાવતું, ને કોઈ બહાર ખાટલો ઢાળીને સૂતેલાને જગાડીને હાથમાં ચ્હાનો કપ-રકાબી થમાવી દેતું. એક મા-દીકરાનો  પ્રોગ્રામ જોવા અમે ખાસ વહેલા ઉઠતાં, જે આ પ્રમાણે હતો.

માતા : "મનસુખ"
મનસુખ : "હ્મ્મ"
માતા : "ઉઠ"
મનસુખ : "ઉઠ છ!"

બે મિનીટ પછી આ જ ડાયલોગ થોડા ઉંચા સ્વરે રીપીટ થતો.

૩ થી ૪ વારમાં તો આખું ફળિયું લગભગ સાંભળે એ રીતે 'મનસુખ... હ્મ્મ... ઉઠ...ઉઠ છ' એ મંત્ર સંભળાય. પછી એમની બાજુનાં ઘરમાં એક ઘરડા કાકા નાહીને નીકળે એટલે ૨૫ જેટલી છીંક જોરથી ખાય, ત્યારે કોઈ જ વાતો ન કરે. ખાલી એ બે પાંચ મિનીટ બધાજ મૌન પાળે અને મનસુખ સિવાય આખું ગામ એ છીંકોથી ઉઠી જાય.  જેવા એ કાકા છીંક ખાતા બંધ થાય કે મનસુખની માતાજી વિફરે,

"અલા મનસુખયાઆઆઆ...."

અને મનસુખ એક જ છલાંગે સીધોજ બાથરૂમમાં ભાગે. આવુ રોજ જ થાય અને અમે એ જોઇ પાછા સુવા જઈએ કે ફોઈની કામવાળી નીચેથી આખા ફળિયાને સંભળાય એમ બોલે,
"આ મનસુખભઈ હોવ ઉઠ્યા... તમે હોવ હેઠે ઉતરો હેંડો."

   ઉનાળામાં બાળકોને ઉઠાડવાની રીત પણ અનોખી,,,પંખો કે એરકન્ડીશન બંધ કરીએ એટલે કમને ઉભા થઇ જ જવાય. બારી બારણા ખોલીને સૂર્યોદયના દર્શન પરાણે કરાવીને પણ ઘણાં લોકો એમનાં બાળકોને ઉઠાડતા હોય છે. સુઈ જવાની પ્રથા એ જ રહી અને ઉઠાડવાની કાળક્રમે બદલાતી રહી. તમે કેવી રીતે ઉઠો છો?? :)) 
~ધૃતિ... 

Wednesday, September 21, 2011

માણસાઈ...

ધરતીના ટુકડાને થોડું કંઈ નડે,
અંદરથી જ આપણને બધુંય નડે,

દેશ અને વિદેશ તો કહેવાની વાતો,
બાકી માણસાઈ જ્યાં ત્યાં ટૂંકી પડે,

હોય ઘર કે શેરી યાતો ગામ કે મુલક,
ભવાડા અદાવતના અદાલતે ચડે,

હું સાચો તું ખોટો થૈ શાંતિની પરિભાષા,
સત્યમેવ જયતેની ઓથ લૈ લડે.
~ધૃતિ...

Tuesday, September 6, 2011

પ્રથા

સઘળી ક્યાં જાણીએ કથા,
તો યે ચક્રવ્યૂહની પ્રથા,
બધે અભિમન્યુની વ્યથા.

સઘળી જાણીએ પણ કથા,
તો યે અગ્નિપરિક્ષા પ્રથા,
બધે રામાયણની વ્યથા.

સધળી જાણતા હતા કથા,
તો યે ઇન્દ્ર-ગૌતમ પ્રથા,
બધે અહલ્યાની વ્યથા.
~ધૃતિ...

Saturday, September 3, 2011

બ્લુટુથ

બ્લુટુથ... આ વાયરલેસ ટેકનોલોજી વાપરતાં બ્લુટુથીયાઓ કોઈવાર બ્રેઈનલેસ લાગે.  જ્યાં પણ જઈએ ત્યાં એકથી વધારે આ જાતિના લોકો જોવા મળે જ.  આમ તો આશીર્વાદ રૂપ બનેલું આ ડીવાઈસ ભલભલાને જાટકા આપી દે એવું છે.

     આજકાલ બધાને લગભગ વાહન ચલાવતાં જ બધુ અગત્યનું બોલવાનું  યાદ આવે. કોઈને સૂચના આપવાની હોય કે પછી ગપ્પા મારવા હોય...કાર ચલાવતી વખતે સેલફોન એકદમ હાથવગો. એમાં પણ જો પકડાઈ જઈએ તો  ટ્રાફિક હવાલદાર દંડે, અને અથડાઈએ કોઈને તો તો બધેથી જ મરો.  આ પળોજણથી બચવા માટે બ્લુટુથ હીરોની એન્ટ્રી થઇ અને એ હીરો લઇને ફરતાં બધા જ માણસો સરકસના જોકરને પણ હસાવી દે એવાં ખેલ કરતાં કોમેડિયન થઇ ગયા.

     સિગ્નલ આગળ ઉભા રહીને ચારેય બાજુ નજર દોડાવશો તો કેટલાયે લોકો એકલાં એકલાં બોલતા દેખાશે. કેટલાક માથું હલાવતા હશે ને  કોઈ તો વળી ગુસ્સામાં સ્ટીયરીંગને હાથ પછાડતા હશે. કોઈ મોટેથી હસતું હશે અને એ પણ ઘણીવાર ગાડીના કાચ બંધ રાખીને હસતા દેખાય...મ્યુટ હાસ્ય!!  કોઈ દૂરથી હાથ ઊંચાનીચા કરીને તાંડવ કરતુ હશે... આ બ્લુટુથના પ્રતાપે જ. આ બધુ વર્ષો પહેલાં છુટુંછવાયું ચારરસ્તે લાલ લાઈટે ઉભા હોઈએ ત્યારે કોઈ ચિતભ્રમ કરતું... જેને આપણે પાગલ કહેતાં.

     પબ્લિક પ્લેસીસમાં તો  આવા બધા અનુભવ 3Dમાં થાય. ડોલ્બી ડીઝીટલ સાઉન્ડ સિસ્ટમ સાથે જ તમારી આગળ કે પાછળ કોઈ એકલું  એકલું  બોલતું હોય અને તે પણ એકદમ હાવભાવ સાથે, પછી એ ગ્રોસરી સ્ટોર હોય કે એરપોર્ટ. માથામાં વાળ ન હોય તો તમે સામેથી અથવા  બ્લુટુથ લગાવ્યું હોય એ કાનની બાજુએથી ઓછા પાગલ લાગો. બાકી વાળ અને ગોગલ્સની દાંડીની નીચે ખોસેલું આ ઘરેણું તમે નોર્મલ નથી એનાં ઘણાં પુરાવા આપી દે.


     ગ્રોસરીસ્ટોરમાં લાંબી લાઈનમાં તમે બે આવા દાગીનાધારી વચ્ચે ફસાઈ જાવ પછી ખબર પડે. આગળ ઉભેલું પ્રેમથી કોઈની જોડે વાત કરતું હોય અને પાછળ ઉભેલું ઝગડતું હોય. વચ્ચે આપણાં જેવાએ અડધા આગળ અને અડધા પાછળનાં ડાયલોગસ્ ક્યારેક વારાફરતી  કે ક્યારેક સામટાં સાંભળવા માટે તૈયાર રહેવાનું. રીમોટ કંટ્રોલ તમારા હાથમાં ન હોય તેથી વધઘટ થતા વોલ્યુમને ભોગવવાનો.  પણ લાગે એમ જ કે બંને જણ એકલાં એકલાં પોતપોતાની કાર્ટ સાથે બડબડ કરે છે. આજુબાજુ જોવામાં પણ કોઈ ફાયદો તો નહી જ...કારણ આવા એક-બે લોકો બધે જ દર્શન આપે. કોઈ એની ઘરવાળીને પૂછતું હોય...

"દળેલી લાવું કે આખી?"

એક સેકન્ડ માટે થાય કે એ એની આગળ ચાલે છે એ બહેનને જ પૂછી રહ્યું છે થોડીવારે સમજાય કે બ્લુટુથે થી ઓર્ડર આવી રહ્યાં છે. પછી પેકેટ લઇને સામે આવીને ફરી બોલે...

"આ રોજ વાપરીએ એ જ ખાંડ છે ને?"

અને તમે વિચારો કે 'વાહ' કેટલી ચોકસાઈથી બધુ બ્લુટુથને પૂછી પૂછીને કરે છે કામ... ત્યાં ફરી અવાજ આવે ...

"એક્સક્યુઝ મી ... આ રોજ વાપરીએ એ જ ખાંડ છે ને?"

  ત્યારે આપણે ભોઠા પાડીએ ,,,કારણ એ આપણને પૂછતો હોય. બ્લુટુથ બંધ હોય અને એનાં અસલી આછાપીળા દાંત બતાવીને હસતા હસતા આપણી જોડે ચકાસીને ઘરે પહોચતા પહેલાં એની સઈડ સેફ કરતો હોય.

  હવે ફેશન નથી રહી પણ પહેલાંના વખતમાં એક કાનમાં પહેરવાનું  એવું  ઘરેણું આવતું જે આખો કાન કવર કરે.  આખા મોર જેવી ડીઝાઈન કોતરેલી  હોય કે પછી ફલાવર્સની ડીઝાઈન હોય અને નીચે લટકતી ઝીણી ઝુમ્મર જેવી બુટ્ટી.  પણ એને કહેતા કાન જ!!  કાનમાં પહેર્યો હોય તો લોકો કહે,

"ઓહ,,,હો...સરસ કાન પહેર્યો છે ને તેં તો!" 

  હવે તો એનો જમાનો ગયો અને આ બડબડયો અને ઝબકારા મારતો કાન આવ્યો ને નામ બ્લુટુથ.

     આજકાલ જે પણ થઇ રહ્યું છે એ જોતાં પબ્લિક પ્લેસીસ પર આમ પણ ડર લાગે કે ક્યાંક કશું થાય નહી. એમાં પણ એરપોર્ટ પર તો ખાસ જ્યાં પાછુ લોકો મોટેથી બુમો પાડીને ન બોલતા હોય. એટલે જ્યારે તમે ચેક-ઇન થવાની લાઈનમાં ઉભા હો અથવા તો સિક્યોરીટી ચેકઅપની લાઈનમાં,,, અને તમારી આગળ કે પાછળ ઉભેલી વ્યક્તિ  એકલું એકલું ઝીણું ઝીણું કશું બબડે તો તરત જ મગજ ઓવરટાઈમ કરે કે નક્કી કશી ગડબડ કરવાની પેરવીમાં છે આ ભાઈ.

     આ બ્લુટુથના લીધે સારા-નરસાની જાણ જ નથી થતી.  સાધુ-સંતો બ્લુટુથ વાપરે ને નેતા પણ. દાંત વગરના હોય કે મૂછો પણ ફૂટી ન હોય...બ્લુટુથ તો હોય જ.

      જ્યારે બ્લુટુથ નવુંનવું માર્કેટમાં આવ્યું ત્યારે બહું ઓછા જણની પાસે હોતું અને ઘણાખરાને એની વિશેષ માહિતી ન હતી, તે સમયે એકવાર એરપોર્ટ પર લાઈનમાં એક સીનીયર બહેન વાત કરતાં હતાં અને અમારી સાથે વાતોમાં એક જમૈકન ભાઈ જોડાયાં. અડધી વાતમાં એ ભાઈ એકદમ જાટકા સાથે બોલવા માંડ્યા...

"યા..હલ્લો...વોટ્સ અપ? ...વોઝ વેઈટીંગ મેન!! યા...ઓહ યા,,યા ...ડોન્ટવરી બ્રો, બાય."

  એ સીનીયર બહેનનનું નીચલું જડબું એ પાંચ સાત સેકન્ડ ખુલ્લું જ રહ્યું અને હાવભાવ એકદમ સખત.  પેલા જમૈકનભાઈ(જ)  એ બહેનનું(બ) મોઢું જોઈને જે પૂછ્યું અને જે જવાબ મળ્યો તે નીચે મુજબ હતો.

જ:  "વોટ્સ રોંગ વિથ યુ મેમ?"

બ :  "વ્હોટ વોઝ ધેટ?"

જ:  "વ્હોટ વોઝ વ્હોટ?"

બ :  "વાય વેર યુ ટોકિંગ લાઈક ધેટ?"

જ :  "ઓહ, ધેટ વોઝ માય બ્રધર..."

બ:  "વ્હેર??  ઇન ધ એર?"

જ:   "વ્હોટ? 

હવે અહીં મારી ધીરજ ખૂટી... એટલે જમૈકનભાઈને કહેવું પડ્યું કે ...

"ભાઈ તારી ચોટલીઓ વાળા લાંબા વાળ ખાસાડીને બહેનને તારુ બ્લુટુથ બતાવ અને તારા ખીસામાં ફોન પણ છે એની સાબિતી આપ"

જ:  "ઓહ...સૌ સોરી મેમ ...લુક ધીસ ઇઝ માય બ્લુટુથ... & ધીસ ઇઝ માય સેલફોન... વાયરલેસ ટેકનોલોજી...હા હા હા"

બ: "ડેમ ઇટ.. આઈ વોઝ રેડી ટુ જમ્પ આઉટ ઓફ માય સ્કીન, એટલીસ્ટ સે એક્સક્યુઝ મી ફર્સ્ટ બીફોર યુ એક્ટ લાઈક એ મેનિયાક"

 આમ કહીને એ સીનીયર બહેને જોરથી એમનું પર્સ માર્યું જમૈકનભાઈને અને હસવા લાગ્યા ....

"હા હા હા"

  આ બધામાં એક પોઝીટીવ પોઈન્ટ મારી દીકરીઓ એ બતાવ્યો. મને કહે,


  "મોમ... તમે કોઈ લાઈનમાં ઉભા હોવ અને આગળવાળો સ્લો હોય તો કાન પર હાથ મુકીને કહેવાનું... 'હારી અપ',  અને બીજા એક બે વાક્ય બોલી જવાનાં, એને તો એમ જ લાગશે કે તમે બ્લુટુથ પહેર્યું છે,  કોઈનું છોકરું રડતું હોય તો પણ કહેવાય કે... 'ઓહ, સ્ટોપ નાઉ' અને વાત એમ ચલાવવાની કે તમે કોઈની સાથે વાત કરો છો...ઓફકોર્સ બ્લુટુથથી."   :))